ચંદ્રુમાણામાં કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો, 93 મહિલાઓની તપાસ
પાટણ, 22 મે (હિ.સ.) : બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા કેન્સર મુક્ત સમાજ અભિયાન અંતર્ગત ચંદ્રુમાણા પ્રાથમિક શાળામાં કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદના નિષ્ણાત તબીબોએ મહિલાઓ અને દીકરીઓની તપાસ કરી
ચંદ્રુમાણામાં કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો, 93 મહિલાઓની તપાસ


પાટણ, 22 મે (હિ.સ.) : બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા કેન્સર મુક્ત સમાજ અભિયાન અંતર્ગત ચંદ્રુમાણા પ્રાથમિક શાળામાં કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદના નિષ્ણાત તબીબોએ મહિલાઓ અને દીકરીઓની તપાસ કરી હતી. કેમ્પ માટે અગાઉથી 93 બહેનોનું રજીસ્ટ્રેશન થયું હતું અને તમામનું સફળતાપૂર્વક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

આ અભિયાનની શરૂઆત 6 મે, 2026ના રોજ કિમ્બુવાથી થઈ હતી. અત્યાર સુધી સમાજના 53 ગામોમાં 900થી વધુ બહેનોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. વર્ષ 2024 દરમિયાન યોજાયેલા કેમ્પોમાં 2,430 મહિલાઓના ગર્ભાશય કેન્સર ટેસ્ટ અને 531 દીકરીઓને રસી આપવામાં આવી હતી.

નિદાન પ્રક્રિયામાં 44 બહેનોમાં કેન્સરની અસર પ્રારંભિક તબક્કામાં શોધાઈ હતી, જેથી સમયસર સારવાર મળી શકી હતી. ઉપરાંત, 582 બહેનોને ઇન્ફેક્શનની સારવાર આપી સ્વસ્થ બનાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં ભદ્રેશ પટેલ, સંદીપ પટેલ, મયુર પટેલ, કૃણાલ પટેલ અને કનુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન મહિલા સંગઠનના ગામ કન્વીનરો અવનીબેન પટેલ, પ્રેમીલાબેન પટેલ અને સોનલબેન પટેલે સંભાળ્યું હતું.

અભિયાન અંતર્ગત આગામી 24મીએ સીહી ખાતે મેગા સ્ક્રીનિંગ કેમ્પ યોજાશે. તેમાં 500 મહિલાઓની સર્વાઇકલ કેન્સર તપાસ, 130 દીકરીઓને રસીકરણ તેમજ બીપી, ડાયાબિટીસ અને બોન ડેન્સિટી ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવશે. કાર્યક્રમમાં અનારબેન પટેલ, કિરીટભાઈ પટેલ, રોનકભાઈ પટેલ અને ગૌરવભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande