
વલસાડ, 22 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરાલય ખાતે પ્રિ-મોન્સૂન કામગીરી અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરએ આગામી ચોમાસા દરમિયાન સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તેમજ કોઈ માનવ જાનહાનિ ન થાય તે માટે તમામ અમલીકરણ અધિકારીઓને માઇક્રોપ્લાનિંગ સાથે કામગીરી કરવા સૂચના આપી હતી.
કલેક્ટરએ તમામ વિભાગોને જરૂરી સાધન-સામગ્રી, કંટ્રોલ રૂમ અને મોબાઈલ નંબરો અપડેટ રાખવા જણાવ્યું હતું. વરસાદ દરમિયાન કામચલાઉ રસ્તાઓ બંધ થવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ડૂબાઉ કોઝવે પર અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે માટે સાવચેતીના પગલાં લેવા સૂચના આપી હતી. સાથે જ આવા સ્થળોએ સૂચન બોર્ડ લગાવવા અને ૨૪ કલાક કર્મચારીની હાજરી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમણે ડિઝાસ્ટર સંબંધિત તમામ સંપર્ક નંબરો ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા તેમજ કોઈપણ આપત્તિ સમયે લોકો તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા ભાર મૂક્યો હતો.
બેઠક દરમિયાન સ્ટોર્મ વોટર ડ્રેનેજની સફાઈ, રિપેરિંગ કામગીરી, ફાયર વિભાગની બચાવ કામગીરી, શેલ્ટર હોમની સુવિધાઓ તેમજ ચોમાસા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે DGVCL દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ મધુબન ડેમની કાર્યપદ્ધતિ અંગે માહિતી મેળવી હતી અને ભારે વરસાદની સ્થિતિમાં ડેમમાંથી પાણી છોડવામાં આવે તો અસરગ્રસ્ત ગામોમાં આગોતરા સ્થળાંતરની તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ખાસ કરીને ઉપરવાસમાં વરસાદને કારણે ઔરંગા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે લોકોને મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકાના અધિકારીઓને તમામ આગોતરા પગલાં લેવા સૂચના આપી હતી. સાથે જ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનો અંગે પણ જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમા, DRDA નિયામક એ.કે. કલસરીયા, ડિઝાસ્ટર મામલતદાર એચ.એચ. કાકલોતર સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો, નગરપાલિકાના ચીફ ઓફિસરો અને વિવિધ વિભાગોના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ મારફતે ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha