
જામનગર, 22 મે (હિ.સ.) :જામનગર તાલુકાના દડીયા ગામના સરપંચને ધમકી અને ગાળાગાળી આપવાના મામલે દડીયામાં જ રહેતા એક દંપતી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી દડીયા ગામના સરપંચ રાજેશભાઈ વલ્લભભાઈ લખીયાર (ઉ.વ. 48), એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ દડીયા ગામના સરપંચ છે, અને આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી માટે નોટિસ આપતા આરોપીઓએ ખાર રાખ્યો હતો.
ફરિયાદ મુજબ આરોપી ભરતભાઈ ખેતાભાઈ ડનેચા અને તેમના પત્ની મંજુબેન ડનેચાએ જાહેરમાં ગાળાગાળી કરી હતી તેમજ બંને આરોપીઓએ ફરિયાદીને કાયદાકીય કાર્યવાહી બંધ કરી દેવા ધમકી આપી હતી. ફરિયાદીએ કાર્યવાહી ચાલુ રાખે તો તેમના વિરુદ્ધ ખોટી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની, ઝેરી દવા પી ફરિયાદીનું નામ લખી હેરાન-પરેશાન કરવાની તેમજ “જોઈ લેવાની” ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ઉપરાંત આરોપી મંજુબેન ભરતભાઈ ડનેચાએ ફરિયાદીના ઘરે જઈ તેમની પત્નીની હાજરીમાં પણ ગાળાગાળી કરી હતી. આ બનાવ અંગે આરોપી દંપત્તિ સામે પંચકોષી બે ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 248(એ), 351(2) અને 296 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ આપતા સમયે અન્ય કેટલાક ગ્રામજનો પણ પોલીસ મથકે હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt