


- ડીઝલ ઓછું મળવાના કારણે ક્વોરી માલિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંબાજી, 22 મે (હિ.સ.) : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર સ્થિત પેટ્રોલ પંપ પર ઈંધણની અછત સર્જાતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે સવારથી જ ટ્રેક્ટર, જીપ, બાઈક સહિતના વાહનોની કિલોમીટર લાંબી કતારો લાગી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
ખેતીની સિઝન ચાલી રહી હોવા છતાં ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ ન હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. અનેક ખેડૂતો અને વાહનચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા છતાં સમયસર ઈંધણ ન મળતાં રોષની લાગણી વ્યક્ત કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ઈંધણના પુરવઠામાં ઘટાડો અને માંગમાં થયેલા અચાનક વધારાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. લાંબી કતારો અને ભારે ભીડને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં પણ અવરોધ ઉભો થયો હતો. સ્થાનિકોમાં એ બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આવી અવ્યવસ્થાના કારણે કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલ પંપ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સુરક્ષા વચ્ચે ઈંધણનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ દરમિયાન પેટ્રોલ પંપ સંચાલકોએ ઈંધણ વિતરણ માટે નવી ટોકન વ્યવસ્થા અમલમાં મૂકી છે. જોકે, કેટલાક ખેડૂતોનું કહેવું છે કે આ વ્યવસ્થા સંચાલકો માટે સુવિધાજનક સાબિત થઈ રહી છે, પરંતુ ખેડૂતો અને સામાન્ય ગ્રાહકો માટે હેરાનગતિનું કારણ બની રહી છે. તેથી પુરતા ઈંધણના પુરવઠા સાથે અસરકારક વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠી રહી છે. એટલુજ નહીં દાંતા તાલુકાના ભેમાળ ગામે સત્યમ પેટ્રોલપંપ પર બુધવારે સાંજે બે દિવસે ડીઝલનું ટેન્કર આવતાં ડીઝલ પુરાવવા માટે રોડ ઉપર બે કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી.
આ અંગે ભેમાળના ક્વોરી એસોસિએશનના પ્રમુખ ઘેમરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કવોરીઓ આવેલી હોવાથી ડમ્પર, ટ્રેકટર, જેસીબી મશીનોમાં ડીઝલની જરૂરીયાત વધુ રહે છે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં ડીઝલનો જથ્થો નિયમિત આવતો નથી. ડીઝલ ઓછું મળવાના કારણે ક્વોરી માલિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડમ્પર ઉપરાંત ખાણ કામમાં વપરાતા હિટાચી મશીનો, લોડરો બંધ કરવાની કગાર પર આવી ગયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ