
સુરત, 22 મે (હિ.સ.) : સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી સુમન નુપુર
આવાસ સોસાયટીમાં રહેતા દિવ્યાંગ ક્રિકેટર લક્ષ્મણ ભીમરાવ બિરહાદેએ આંતરરાષ્ટ્રીય
સ્તરે મોટી સિદ્ધિ હાસિલ કરીને સમગ્ર સુરત જિલ્લા અને દેશનું નામ રોશન કર્યું છે.
રાષ્ટ્રીય કક્ષાની વ્હીલચેર ક્રિકેટ સ્પર્ધાઓમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન, અદભુત રમત કૌશલ્ય અને સમર્પણને
ધ્યાનમાં રાખીને 'લાયન
વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન (ઇન્ડિયા)' દ્વારા તેમની સત્તાવાર રીતે ભારતીય
વ્હીલચેર ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
લક્ષ્મણ બિરહાદે આગામી સમયમાં શ્રીલંકાના કોલંબો ખાતે યોજાનારી
શ્રીલંકા વિરુદ્ધ ભારત 2026 - ઇન્ટરનેશનલ 3 T-20 વ્હીલચેર ક્રિકેટ
ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ તરફથી રમતા જોવા મળશે. આ પ્રતિષ્ઠિત
ટૂર્નામેન્ટનું આયોજન આગામી તા.26 થી 28 મે, 2026 દરમિયાન શ્રીલંકાની ધરતી પર
થવાનું છે.
કોચ ધનસુખભાઇ પટેલે લક્ષ્મણની પ્રતિભા વિશે વાત કરતા જણાવ્યું છે કે, તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર શાનદાર
પ્રદર્શન કરીને દેશને વિજય અપાવશે અને ભારત દેશનું ગૌરવ વધારશે. શારીરિક પડકારોને
માત આપીને ઇન્ટરનેશનલ પિચ સુધી પહોંચવાની લક્ષ્મણની આ સફર અન્ય દિવ્યાંગો અને
રમતવીરો માટે ભારે પ્રેરણારૂપ બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે