
બોટાદ, 22 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીએ આજે બોટાદ તાલુકાના રતનપર ગામ ખાતે ગ્રામ વિકાસ અને શૈક્ષણિક સેવાઓની સમીક્ષા કરવા ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્ર તેમજ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગામમાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓ અને સુવિધાઓ અંગે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સૌપ્રથમ જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી કામગીરી, ગામના વિકાસ કામો, સ્વચ્છતા અભિયાન, પાણી પુરવઠા અને લોકો માટેની જનસેવા સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ગામના વિકાસ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે વધુ અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન બાળકોના પોષણ, આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણ સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોને અપાતું પૌષ્ટિક આહાર, રમકડાં, શૈક્ષણિક સામગ્રી અને સ્વચ્છતા વ્યવસ્થાની પણ તપાસ કરી હતી. આંગણવાડી કાર્યકરોને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત સક્રિય રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી અભ્યાસ અંગે માહિતી મેળવી હતી. શાળામાં શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓની હાજરી, મધ્યાહ્ન ભોજન યોજના અને શૈક્ષણિક વાતાવરણ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. શિક્ષકોને વિદ્યાર્થીઓમાં ગુણવત્તાસભર શિક્ષણ સાથે સંસ્કાર અને સ્વચ્છતાના મૂલ્યો વિકસે તે માટે વિશેષ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન ગામના આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, શિક્ષકો અને સ્થાનિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ વિકાસ માટે સૌના સહકારથી સંવેદનશીલ અને લોકો કેન્દ્રિત કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA