ડીઝલ અછત સામે ખેડૂતોમાં ભારે રોષ: રાજુલા-સાવરકુંડલા હાઇવે પર ચક્કાજામ, ટ્રેક્ટરો સાથે વિરોધ
અમરેલી, 2 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજુલા-સાવરકુંડલા રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ પર વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટરો લઈને લાંબી લાઈનમાં ઊભા રહ્યા હતા. કાળઝાળ ગરમી અને સતત
ડીઝલ અછત સામે ખેડૂતોમાં ભારે રોષ: રાજુલા-સાવરકુંડલા હાઇવે પર ચક્કાજામ, ટ્રેક્ટરો સાથે વિરોધ


અમરેલી, 2 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજુલા-સાવરકુંડલા રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ પર વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટરો લઈને લાંબી લાઈનમાં ઊભા રહ્યા હતા. કાળઝાળ ગરમી અને સતત વધી રહેલા તાપમાન વચ્ચે કલાકો સુધી રાહ જોવી પડતાં ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો અને અંતે ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો.

છેલ્લા પાંચ દિવસથી રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ખેડૂતો ડીઝલ માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેતીકામ માટે જરૂરી ડીઝલ મેળવવા ખેડૂતોને એક કિલોમીટર સુધી લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. 40 ડિગ્રી જેટલા કડકડતા તાપમાન વચ્ચે કલાકો સુધી રાહ જોવી પડે છે છતાં પૂરતું ડીઝલ મળતું નથી. જેના કારણે ખેતર તૈયાર કરવું, રોટાવેટર અને અન્ય ખેતીકામ પર સીધી અસર પડી રહી છે.

રાજુલા-સાવરકુંડલા હાઇવે પર મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને ટ્રેક્ટરો આડા મૂકી ચક્કાજામ કર્યો હતો. થોડીવાર માટે વાહન વ્યવહાર સંપૂર્ણ પ્રભાવિત થયો હતો અને અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ખેડૂત મનુભાઈ નકુમએ જણાવ્યું હતું કે, “ખાતર લેવા જઈએ તો લાઇનમાં ઉભા રહેવું પડે અને હવે ડીઝલ માટે પણ લાઇનમાં ઊભા રહેવું પડે છે. સવારે ચાર વાગ્યાથી લાઇનમાં છીએ છતાં બે હજાર રૂપિયાનું જ ડીઝલ આપે છે. ખેડૂતો ખેતી કરે કે આખો દિવસ લાઇનમાં ઊભા રહે?”

ખેડૂત વાલજીભાઈએ જણાવ્યું કે, “જૂન મહિનો નજીક છે અને ચોમાસા પહેલા ખેતીની તૈયારીઓ બાકી છે. છતાં ખેડૂતોને પૂરતું ડીઝલ મળતું નથી, જ્યારે ખાનગી કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરને સરળતાથી ડીઝલ મળી રહ્યું છે.”

સરકાર અને અધિકારીઓ તરફથી ડીઝલની અછત ન હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હકીકતમાં પેટ્રોલપંપો પર અફરાતફરી જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande