
વલસાડ, 22 મે (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે આયોજિત સમર કેમ્પનો પ્રારંભ વલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યો હતો. કેમ્પના ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત સંગઠનના પ્રદેશ મંત્રી તથા વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીએ અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. આ સમર કેમ્પનો મુખ્ય હેતુ બાળકોને મોબાઈલથી દૂર રાખી શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવાનો છે. સાથે જ બાળકોમાં સારા સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન વિકસે તે દિશામાં પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા તમામ બાળકો માટે હાથથી બનાવેલા એનર્જી ડ્રિંકની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ યોગની પુસ્તિકા અને ચિત્રપોથીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ૧૫ દિવસીય નિઃશુલ્ક કેમ્પ પૂર્ણ થયા બાદ દરેક બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. કેમ્પ દરમિયાન બાળકોને યોગ, પ્રાણાયામ, ધ્યાન, ટ્રાફિક નિયમો, સેલ્ફ ડિફેન્સ, મેમરી પાવર ગેમ્સ તેમજ પરંપરાગત રમતોની તાલીમ આપવામાં આવી રહી છે.
કેમ્પનું મુખ્ય સંચાલન હેમાક્ષી બાગુલકર કરી રહ્યા છે, જ્યારે સહ સંચાલક તરીકે મુકેશ પટેલ અને દીપા ભોંસલે કામગીરી સંભાળી રહ્યા છે. જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પ્રવિણાબેન પટેલ, ઉપપ્રમુખ નીલમબેન તોમર, નગરપાલિકા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા તથા શાસક પક્ષના નેતા અલકાબેન દેસાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha