
પાટણ, 22 મે (હિ.સ.) : ચાણસ્માના ફોટોગ્રાફર જન્મેજય તેજલમજી વાઘેલાએ કારોડા ગામના ભીખાભાઈ મફતલાલ પ્રજાપતિ અને અરવિંદજી બાબુજી ઠાકોર વિરુદ્ધ વ્યાજખોરી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. નાના ભાઈના લગ્ન માટે વર્ષ 2023માં તેમણે 4 લાખ રૂપિયા 2 ટકા વ્યાજે લીધા હતા.
ફરિયાદ મુજબ શરૂઆતના આઠ મહિના બાદ આરોપીઓએ વ્યાજનો દર વધારી દીધો હતો. જન્મેજયે રોકડા, ઓનલાઇન ટ્રાન્સફર અને સોનાની લોન મારફતે અત્યાર સુધીમાં કુલ 14.49 લાખ રૂપિયા ચૂકવી દીધા છે.
આટલી રકમ ચૂકવ્યા છતાં આરોપીઓ હજુ પણ 3 લાખ રૂપિયા બાકી હોવાનું કહી પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. સાથે જ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. અરવિંદજીએ ફરિયાદીની ઇકો કારમાંથી કોરા ચેક અને આર.સી. બુક પણ લઈ લીધી હોવાનો આક્ષેપ છે.
વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જન્મેજય વાઘેલાએ ચાણસ્મા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બી.એન.એસ. અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જીગર વિષ્ણુભાઈ પટેલને સોંપાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ