જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા 5મી જુન સુધી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન
જામનગર, 22 મે (હિ.સ.) : વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૩૧મે ના ભાગરૂપે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જામનગર ખાતે “મિશન ૨૦૨૬ : તમાકુ માફિયાનો પર્દાફાશ” અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિ, તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ આર
તમાકુ નિષેધ દિવસ


જામનગર, 22 મે (હિ.સ.) : વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૩૧મે ના ભાગરૂપે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જામનગર ખાતે “મિશન ૨૦૨૬ : તમાકુ માફિયાનો પર્દાફાશ” અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિ, તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ વર્ષ માટે જાહેર કરાયેલ થીમ “નિકોટિન અને તમાકુ વ્યસનની આકર્ષકતા સામે સત્યનો પર્દાફાશ” ને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં તમાકુ અને નિકોટિન વ્યસન પાછળ રહેલી વાસ્તવિક હાનિકારક અસરોથી જનતાને માહિતગાર કરવાનો છે. બહારથી આકર્ષક દેખાતા તમાકુના ઉત્પાદનો પાછળ રહેલી ગંભીર આરોગ્ય હાનિ, કેન્સર, હૃદયરોગ તથા અન્ય જીવલેણ અસરો અંગે લોકોમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી બની છે. “મિશન ૨૦૨૬ : તમાકુ માફિયાનો પર્દાફાશ” અભિયાન દ્વારા લોકોને તમાકુનું સાચું અને ભયાનક ચિત્ર સમજાવી તેમને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ અભિયાન અંતર્ગત જામનગર ડેન્ટલ કોલેજ દ્વારા તા. ૨૦ મે થી ૫ જૂન ૨૦૨૬ દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, કાઉન્સેલિંગ તાલીમ તથા સમુદાય આધારિત કાર્યક્રમો યોજાનાર છે. અભિયાનના પ્રારંભરૂપે તા. ૨૦ મે ૨૦૨૬ના રોજ હાઇબ્રિડ સ્વરૂપમાં “તમાકુ નિર્વ્યસન કાઉન્સેલિંગ તાલીમ અને વર્કશોપ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ તા. ૨૦, ૨૧ અને ૨૨ મે દરમિયાન યોજવામાં આવ્યો હતો. જેમાં દંતચિકિત્સકો, ઇન્ટર્ન્સ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ વર્કશોપનો મુખ્ય હેતુ ભવિષ્યના દંતચિકિત્સકો અને આરોગ્ય વ્યવસાયીઓને તમાકુના હાનિકારક પ્રભાવ, નિર્વ્યસન કાઉન્સેલિંગ, દર્દીઓ સાથે અસરકારક સંવાદ તથા તમાકુ છોડાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે તાલીમ આપવાનો હતો, જેથી તેઓ સમાજમાં તમાકુ વિરોધી જાગૃતિ ફેલાવવા અને લોકોને વ્યસનમુક્તિ તરફ માર્ગદર્શન આપવા વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. કાર્યક્રમમાં ડેન્ટલ કોલેજના ડીન, એડીશનલ ડીન, વિવિધ વિભાગોના વડાઓની ઉપસ્થિતિમાં આઈ.ઈ.સી. (માહિતી, શિક્ષણ અને સંચાર) સામગ્રીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ અને વક્તા તરીકે ડૉ. તપસ્યા કારેમોરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્, સંશોધક તેમજ PHFI દ્વારા પ્રમાણિત તમાકુ નિર્વ્યસન ટ્રેનર છે. તેમણે તમાકુ નિર્વ્યસન, કાઉન્સેલિંગ પદ્ધતિઓ, વ્યસનમુક્તિ અભિગમ તથા આરોગ્ય વ્યવસાયીઓની ભૂમિકા વિષયક માહિતીસભર અને માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું.વર્કશોપના મોડરેટર તરીકે ડૉ. વૃંદા સક્સેના એ સમગ્ર વૈજ્ઞાનિક સત્રોનું અસરકારક માર્ગદર્શન અને સંચાલન કર્યું હતું.

વર્કશોપ દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક સત્રો, ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ તથા પ્રાયોગિક તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી હાઇબ્રિડ તાલીમ પ્રવૃત્તિઓ દંતચિકિત્સકો અને વિદ્યાર્થીઓને આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાન તથા કાઉન્સેલિંગ કૌશલ્યોથી સજ્જ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે ભવિષ્યમાં તમાકુ નિર્વ્યસન અભિયાન અને જાહેર આરોગ્ય જાગૃતિને વધુ મજબૂત બનાવશે.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન, જામનગર શાખાના સહયોગથી કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande