
જુનાગઢ, 22 મે (હિ.સ.) : ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન ૨૦૨૫-૨૬ અંતર્ગત યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આઇ.ટી.આઇ. જૂનાગઢના ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડના તાલીમાર્થી ઠુકડીયા પિયુષ ભરતભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. રાજ્યભરના વિવિધ તાલીમાર્થીઓની ભાગીદારી વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં જૂનાગઢના તાલીમાર્થીએ પોતાની ટેકનિકલ કુશળતા અને પ્રતિભાના જોરે જિલ્લાનું નામ રોશન કર્યું છે.
પિયુષ ઠુકડીયાએ ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશનમાં ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં બીજો ક્રમાંક મેળવતા આ સિદ્ધિ માટે રૂ. ૩૧,૦૦૦/- ની પ્રાઇઝ મની એનાયત કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અન્ય તાલીમાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. તાલીમાર્થીની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ સંસ્થાના આચાર્ય વર્ગ-૧ ભગીરથસિંહ જાળીયા, આચાર્ય વર્ગ-૨ પ્રિયેશ વાળા તથા સમગ્ર સ્ટાફે અભિનંદન સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ