ડીઝલ અછત વચ્ચે કચ્છ કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક, પેટ્રોલ પંપો પર વધારાઈ દેખરેખ
- કચ્છમાં ઈંધણ પુરવઠો જાળવવા તંત્ર સજ્જ. કચ્છ, 22 મે (હિ.સ.) : કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી ડીઝલ અને પેટ્રોલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. ઈંધણનો પુરવઠો ખોરવાય નહીં અને સામાન્ય નાગરિકોથી લઈને
કચ્છ કલેક્ટર મિટિંગ


- કચ્છમાં ઈંધણ પુરવઠો જાળવવા તંત્ર સજ્જ.

કચ્છ, 22 મે (હિ.સ.) : કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી ડીઝલ અને પેટ્રોલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. ઈંધણનો પુરવઠો ખોરવાય નહીં અને સામાન્ય નાગરિકોથી લઈને ઔદ્યોગિક ક્ષેત્ર સુધી તમામને જરૂરી જથ્થો સમયસર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા ના અધ્યક્ષસ્થાને સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના અધિકારીઓ, ફિલ્ડ ઓફિસર્સ, એસ.ટી. વિભાગના પ્રતિનિધિઓ તેમજ કચ્છના વિવિધ ઉદ્યોગો અને વેપારી સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં ડીઝલ વિતરણની હાલની સ્થિતિ, પુરવઠાની વ્યવસ્થા અને આગામી દિવસોમાં સર્જાઈ શકે તેવી સંભાવિત મુશ્કેલીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ચર્ચા દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો કે હાલ કન્ઝ્યુમર પંપ ઉપર ડીઝલના ભાવ સામાન્ય રિટેલ પંપ કરતા વધુ જોવા મળી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રીએ સરકારની માર્ગદર્શિકા મુજબ સ્પષ્ટ સૂચના આપી કે કોઈપણ રિટેલ પેટ્રોલ પંપ દ્વારા કન્ઝ્યુમર પંપને ડીઝલ સપ્લાય કરવામાં નહીં આવે. આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકો માટે રિટેલ પંપ ઉપર ડીઝલ ઉપલબ્ધ રહે અને અનાવશ્યક દબાણ ઘટાડવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે કે બલ્ક સેક્ટરમાં ડીઝલના ભાવોમાં રાહત આપવામાં આવે અને રિટેલ સપ્લાય ચેઈન મજબૂત બનાવવામાં આવે. ખાસ કરીને કચ્છના પોર્ટ વિસ્તારમાં કાર્યરત એવા ઉદ્યોગો અને મશીનરી, જે સંપૂર્ણપણે ડીઝલ આધારિત છે, તેમના સતત સંચાલન માટે આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવા યુનિટ્સની વિગતો તૈયાર કરીને ઓઇલ કંપનીઓને મોકલવામાં આવી છે જેથી ત્યાં કોઈ વિક્ષેપ વિના ઈંધણ પહોંચાડવામાં સરળતા રહે.

ખેડૂતો અને ટેલિકોમ ક્ષેત્ર માટે પણ પૂરતો ઈંધણ જથ્થો ઉપલબ્ધ રહે તે અંગે બેઠકમાં વિશેષ ભાર મૂકાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં અથવા જ્યાં સપ્લાયમાં વિલંબના કારણે પેટ્રોલ પંપ સૂકા પડી જાય છે ત્યાં વધુ કડક દેખરેખ રાખવા પુરવઠા વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે.

ખાસ કરીને ખાનગી કંપની નાયરા એનર્જીના કેટલાક પેટ્રોલ પંપોમાં ઈંધણ ખૂટી જવાની સ્થિતિ સામે આવતા વહીવટીતંત્ર વધુ સતર્ક બન્યું છે. કચ્છ જિલ્લામાં આવેલા આવા ૭૪ પેટ્રોલ પંપોની મોનીટરીંગ માટે અલગ અલગ અધિકારીઓને ફિલ્ડ ઈન્સ્પેક્શનની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી સપ્લાય ચેઈન સતત કાર્યરત રહી શકે.

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડી. પી. ચૌહાણ એ પણ હાજરી આપી હતી અને સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મી સહિત ચેમ્બર ઓફ કોમર્સ, બેન્ટોનાઈટ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ અને કન્ટેનર એસોસિએશન તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સહિત વિવિધ ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્રની સંસ્થાઓ પણ બેઠકમાં જોડાઈ હતી.

વહીવટીતંત્રે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કચ્છ જિલ્લામાં ઈંધણ પુરવઠાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આવશ્યકતા મુજબ વધુ પગલાં પણ લેવામાં આવશે, જેથી સામાન્ય જનજીવન અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર કોઈ અસર ન પડે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande