


કચ્છ, 22 મે (હિ.સ.) : પૃથ્વી માત્ર માનવજાત માટે નથી, પરંતુ અસંખ્ય જીવસૃષ્ટિનું સહઅસ્તિત્વ ધરાવતું અનમોલ ઘર છે. આજના આધુનિક યુગમાં વિકાસની દોડ વચ્ચે કુદરત અને પર્યાવરણ પર વધતો દબાણ ચિંતાજનક બન્યો છે. આવી સ્થિતિમાં દર વર્ષે ૨૨ મેના રોજ ઉજવાતો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી યાદ અપાવતો મહત્વપૂર્ણ અવસર બની રહ્યો છે. આ વર્ષે “Acting Locally for Global Impact” એટલે કે “સ્થાનિક સ્તરે કરાયેલા પ્રયાસોથી વૈશ્વિક અસર” થીમ હેઠળ સમગ્ર વિશ્વમાં જાગૃતિ અભિયાન યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ભુજ ખાતે આવેલ હોટલ રીજાન્તા ખાતે પશ્ચિમ કચ્છ વન વર્તુળ કચેરી દ્વારા ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો
જૈવ વિવિધતા એટલે પૃથ્વી પર વસતા વિવિધ પ્રકારના પ્રાણી, પક્ષીઓ, વૃક્ષો, વનસ્પતિ, જળચર, સૂક્ષ્મજીવો અને તેમનું કુદરતી સંતુલન. માનવજીવન માટે આવશ્યક એવા ખોરાક, ઔષધિઓ, શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને હવામાનના સંતુલન પાછળ જૈવ વિવિધતાનો અવિભાજ્ય ફાળો રહેલો છે. જો કુદરતી સંતુલન બગડે તો તેની સીધી અસર માનવ જીવન અને ભવિષ્ય પર પડે છે.
વિશ્વભરમાં વધતા પ્રદૂષણ, વૃક્ષોના ઘટાડા, પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અને ઔદ્યોગિકીકરણના કારણે અનેક જીવસૃષ્ટિઓ લુપ્ત થવાની કગાર પર પહોંચી ગઈ છે. પર્યાવરણમાં થતાં આ બદલાવોને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ રાખી આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો દરેક વ્યક્તિ પોતાના વિસ્તારમાં નાના સ્તરે સકારાત્મક પ્રયાસો શરૂ કરે તો તેની અસર સમગ્ર વિશ્વના પર્યાવરણ પર જોવા મળી શકે છે.
ભારત સરકારે પણ જૈવ વિવિધતાના સંરક્ષણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. જૈવિક વિવિધતા અધિનિયમ-૨૦૦૨ દ્વારા દેશભરમાં જૈવ વિવિધતા જાળવવા માટે વ્યવસ્થિત માળખું ઉભું કરવામાં આવ્યું છે. વન્યજીવો અને પર્યાવરણ બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ એલિફન્ટ અને ગ્રીન ઈન્ડિયા મિશન જેવી યોજનાઓ કાર્યરત છે. ગુજરાતમાં ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ દ્વારા પર્યાવરણ જાળવણી અને પ્રકૃતિ સંરક્ષણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઓછો ઉપયોગ કરી કુદરતી ખેતી તરફ આગળ વધવા પ્રેરણા આપવામાં આવે છે. નિષ્ણાતોના મતે પ્રાકૃતિક કૃષિ માત્ર જમીનની ફળદ્રુપતા જાળવવામાં જ નહીં, પરંતુ જૈવ વિવિધતા વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
સરકાર અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. શાળાઓ, કોલેજો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
પર્યાવરણવિદોનું કહેવું છે કે પ્રકૃતિને બચાવવી હવે માત્ર સામાજિક ફરજ નથી રહી, પરંતુ માનવ અસ્તિત્વ માટે આવશ્યક બની ગઈ છે. જો આજની પેઢી કુદરત પ્રત્યે બેદરકાર રહેશે તો આવનારી પેઢીને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તેથી દરેક વ્યક્તિએ રોજિંદા જીવનમાં નાના પરિવર્તન લાવવાની જરૂર છે. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, વધુ વૃક્ષારોપણ, પાણીનો બચાવ, સ્વચ્છતા અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ જેવા નાના પ્રયાસો ભવિષ્ય માટે મોટું યોગદાન આપી શકે છે.
“પૃથ્વી આપણાં પૂર્વજોની મિલકત નથી, પરંતુ આવતી પેઢીની અમાનત છે” — આ વિચાર સાથે જો સમગ્ર સમાજ આગળ વધે તો જ કુદરત અને માનવજાત વચ્ચેનું સંતુલન જળવાઈ રહેશે. નાના પ્રયાસોથી જ મોટા પરિવર્તન શક્ય બને છે અને પ્રકૃતિનું સંરક્ષણ એ જ સુરક્ષિત ભવિષ્યની સાચી ચાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar