

કચ્છ, 22 મે (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી અભિયાન વધુ સઘન બનતું જઈ રહ્યું છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મૂળથી નાબૂદ કરવા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન અંતર્ગત લાકડીયા પોલીસે મોટી સફળતા મેળવી લાખો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે જ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને કાયદાની ઝપટમાં લેવામાં આવ્યા છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. તે દરમિયાન લાકડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સી.એસ. કુગસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ સમયે ખાનગી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ ટીમે સામખીયારી-રાધનપુર નેશનલ હાઇવે નજીક આવેલ ગુરુકૃપા હાઇવે હોટલ પાસે આવેલા શીવલખા વિસ્તારમાં રેડ કરી હતી. ત્યાં પાર્ક કરાયેલા ટ્રક-ટ્રેલરની તપાસ કરતાં અંદરથી મોટા પ્રમાણમાં બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓની સંડોવણી પણ બહાર આવી હતી.
પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના જોધપુર જિલ્લાના મીઠડીયા ગામનો શંભુસિંહ હરિસિંહ રાજપૂત, લાકડીયાનો ઈરફાન શેરમામદ રાઉમા તથા રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના પક્કા સારનાનો રહેવાસી રોહિત ઉર્ફે મોહિત સુરેદરકુમાર જ્યાનીનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
દરોડા દરમિયાન પોલીસે કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર અને ટ્યુબોર્ગ પ્રીમિયમ સ્ટ્રોંગ બિયરના કુલ ૩૨૦થી વધુ ટીન-બોટલનો જથ્થો કબ્જે કર્યો હતો. ઉપરાંત દારૂ ભરેલો ટ્રક-ટ્રેલર, તેમાં ભરેલો માલસામાન તથા મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ. ૨૦.૮૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી લાકડીયા પોલીસ માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસે હવે દારૂના જથ્થાનો સપ્લાય ક્યાંથી અને કોના મારફતે થતો હતો તેની દિશામાં વધુ તપાસ તેજ બનાવી છે. જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાનો ભંગ કરનાર તત્વો સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવો સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar