
- છાશની બોલાચાલીથી રક્તરંજિત કાંડ: રાપરમાં પિતાની આંખો સામે યુવાનની કરપીણ હત્યા, કલાકોમાં આરોપીઓ ઝડપાયા
કચ્છ, 22 મે (હિ.સ.) : કચ્છના રાપર શહેરમાં નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ પળવારમાં જ લોહિયાળ ઘટનામાં ફેરવાઈ જતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે. માત્ર છાશ અને બિરયાનીને લઈને થયેલી સામાન્ય બોલાચાલીએ એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું કે 25 વર્ષીય યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. પિતાની નજર સામે જ પુત્ર પર જીવલેણ હુમલો થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ રાપરના દુબરીયા વાડી વિસ્તારમાં વસવાટ કરતા મહેબૂબ રિયાસતઅલી શેખ પોતાના પિતા અને નાના ભાઈ સાથે સ્થાનિક ચિકન બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો. ગુરુવારે સાંજના સમયે દુકાન પર જમવા આવેલા કેટલાક શખ્સો સાથે છાશ અને બિરયાની મુદ્દે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય તકરાર જેવી લાગતી ઘટના થોડા જ સમયમાં હિંસક બની ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સો દુકાનમાં ધસી આવ્યા હતા અને મહેબૂબ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો બેફામ અને ઘાતક હતો કે મહેબૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. પિતા અને નાના ભાઈએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં હુમલાખોરો અટક્યા નહોતા અને સતત હુમલો કરતા રહ્યા હોવાનું સામે આવ્યું છે.
લોહીલુહાણ હાલતમાં મહેબૂબને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. યુવાનના મોતના સમાચાર ફેલાતા જ રાપર શહેરમાં શોક અને રોષની લાગણી પ્રસરી ગઈ હતી. સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી.
ઘટનાની જાણ થતાં જ રાપર પોલીસ તાત્કાલિક સક્રિય બની હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા તેમજ દુકાન નજીક હાજર રહેલા લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સિસ અને ગુપ્ત બાતમીદારોની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.
પોલીસની ઝડપી અને સુચિત કામગીરીના પરિણામે ગણતરીના કલાકોમાં જ હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો. પોલીસે બાદલપર પીંછાણા ગામના રહેવાસી ૨૬ વર્ષીય નરેશ લખમણ કોલી અને ૧૯ વર્ષીય સંજય જેરામ કોલીની અટકાયત કરી છે. ઉપરાંત એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને પણ રાઉન્ડ અપ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાપર શહેરમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે, જ્યારે મૃતકના પરિવારજનો પર આ ઘટનાએ આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, પોલીસ દ્વારા ઝડપી કામગીરી કરીને આરોપીઓને ઝડપવામાં આવતા લોકોને થોડી રાહતની લાગણી અનુભવાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar