સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને ભુજમાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક, તાત્કાલિક ઉકેલ માટે આયોગનો કડક નિર્દેશ
કચ્છ, 22 મે (હિ.સ.) : ભુજ ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના હિત અને તેમના પ્રશ્નોના નિરાકરણને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વહીવ
સફાઈ કામદાર સમીક્ષા બેઠક


સફાઈ કામદાર સમીક્ષા બેઠક


સફાઈ કામદાર સમીક્ષા બેઠક


કચ્છ, 22 મે (હિ.સ.) : ભુજ ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના હિત અને તેમના પ્રશ્નોના નિરાકરણને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સફાઈ કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ઉપાધ્યક્ષએ સફાઈ કર્મચારીઓના જીવનસ્તર અને કામકાજની પરિસ્થિતિ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે મેન્યુઅલ સ્કેવેન્જર્સ કાયદા અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક નિયમોની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે સફાઈ કામદારોને માનવ ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર છે અને તેમના અધિકારોની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે વિવિધ સંગઠનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.

ઉપાધ્યક્ષએ ખાસ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે સફાઈ કામદારોનો માત્ર રોજગાર જ નહીં પરંતુ તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ પણ એટલો જ જરૂરી છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સફાઈ કામદારોના કલ્યાણ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે સમાજની મુખ્યધારામાં આ વર્ગને સશક્ત રીતે જોડવાનો સરકારનો અભિગમ પ્રશંસનીય છે.

બેઠકમાં સફાઈ કર્મચારીઓએ પગાર, ભથ્થાં, બોનસ, નિયમિત આરોગ્ય ચકાસણી, આવાસ, શિક્ષણ, લઘુતમ વેતન, પેન્શન, પી.એફ., આશ્રિતોના પુનર્વસન તેમજ કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ થતા પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. ઉપરાંત સફાઈ કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા સાધનો અને રક્ષણાત્મક પોશાક ઉપલબ્ધ કરાવવા તેમજ નિયમોનું પાલન ન કરતી એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી હતી.

આ તમામ મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ ઉપાધ્યક્ષએ સંબંધિત અધિકારીઓને દરેક પ્રશ્નનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા સૂચના આપી હતી. સાથે જ કરવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર ‘એક્શન ટેકન રિપોર્ટ’ આયોગને મોકલવા જણાવ્યું હતું. તેમણે મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનું કડક પાલન થાય અને જિલ્લા તથા તાલુકા કક્ષાએ નિયમિત બેઠકો યોજાય તેની પણ તકેદારી રાખવા જણાવ્યું હતું.

કચ્છના નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણએ પણ સંબંધિત વિભાગો અને નગરપાલિકાના અધિકારીઓને આયોગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું ઝડપથી પાલન કરવા નિર્દેશ આપ્યો હતો.

આ સમીક્ષા બેઠકમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિનોદ રોહિત, નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. કિશ્ચિયન, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, અખિલ કચ્છ વાલ્મિકી સમાજ અને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પ્રતિનિધિઓ સહિત કચ્છની વિવિધ નગરપાલિકાઓના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande