અણુવ્રતના સંસ્કારોથી જીવન ઘડતર તરફ એક મહત્વપૂર્ણ પગલું : ‘જીવન વિજ્ઞાન પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા’નો પ્રારંભ 1 જૂનથી
ભુજ/ગાંધીનગર, 22 મે (હિ.સ.) શ્રી જૈન શ્ર્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના અગીયારમાં અધિશાસ્તા યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીના નેતૃત્વમાં તેમજ અણુવ્રત વિચારધારા હેઠળ નૈતિક મૂલ્યો, વ્યક્તિત્વ વિકાસ અને જીવનને સકારાત્મક દિશા આપવાના પવિત્ર હેતુ સાથે “જીવન વિ
અણુવ્રતના સંસ્કારોથી જીવન ઘડતર તરફ એક મહત્વપૂર્ણ પગલું : ‘જીવન વિજ્ઞાન પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા’નો પ્રારંભ 1 જૂનથી


ભુજ/ગાંધીનગર, 22 મે (હિ.સ.) શ્રી જૈન શ્ર્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના અગીયારમાં અધિશાસ્તા યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીના નેતૃત્વમાં તેમજ અણુવ્રત વિચારધારા હેઠળ નૈતિક મૂલ્યો, વ્યક્તિત્વ વિકાસ અને જીવનને સકારાત્મક દિશા આપવાના પવિત્ર હેતુ સાથે “જીવન વિજ્ઞાન પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા (ચરણ-1)” નું આયોજન આગામી 1 જૂનથી 7 જૂન, 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. અણુવ્રત અને જીવન વિજ્ઞાન પ્રત્યે રસ ધરાવતા યુવાનો, શિક્ષકો, સમાજસેવકો તેમજ આધ્યાત્મિક અભિરુચિ ધરાવતા વ્યક્તિઓ માટે આ કાર્યશાળા એક સુવર્ણ અને યાદગાર અવસર સમાન બની રહેશે.

આ સમગ્ર પ્રશિક્ષણ કાર્યશાળા અણુવ્રત અનુશાસ્તા આચાર્ય મહાશ્રમણજીની પાવન સન્નિધિ અને મંગલમય છત્રછાયામાં યોજાનાર છે, જેના કારણે પ્રતિભાગીઓને માત્ર પ્રશિક્ષણ જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉર્જા, સંસ્કાર અને જીવન મૂલ્યોને નજીકથી સમજવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થશે.

મહેશ પ્રભુલાલ મહેતાના જણાવ્યા મુજબ, આજના ઝડપભર્યા અને તણાવપૂર્ણ સમયમાં માનવી જીવનમાં શાંતિ, સંયમ, સકારાત્મકતા અને નૈતિકતા સ્થાપિત કરવા જીવન વિજ્ઞાન (સાયન્સ ઓફ લિવિંગ) ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે. આવી સ્થિતિમાં જીવન વિજ્ઞાનના સિદ્ધાંતોને સમાજ સુધી પહોંચાડવા માટે સક્ષમ પ્રશિક્ષકો તૈયાર થાય તે હેતુસર આ વિશેષ પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યશાળામાં ભાગ લેનાર પ્રતિભાગીઓને જીવન વિજ્ઞાનના વિવિધ વિષયો, વ્યક્તિત્વ વિકાસ, માનસિક સંતુલન, ભાવનાત્મક વિકાસ, નૈતિક જીવનશૈલી, સંવાદ કૌશલ્ય તેમજ સામાજિક જવાબદારી જેવા મુદ્દાઓ અંગે માર્ગદર્શન અને પ્રાયોગિક સમજ આપવામાં આવશે. આ સાથે જીવનને વધુ સુંદર, સંતુલિત અને મૂલ્યનિષ્ઠ બનાવવા માટે જરૂરી અભ્યાસક્રમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કાર્યશાળાને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ પ્રતિભાગીઓને “જીવન વિજ્ઞાન પ્રશિક્ષક લેવલ-1” (Science of Living Trainer Level-1) નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે, જે ભવિષ્યમાં જીવન વિજ્ઞાન ક્ષેત્રે ટ્રેનર તરીકે કાર્ય કરવા માટે ઉપયોગી અને પ્રેરણારૂપ બનશે.

અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું છે કે રસ ધરાવતા વ્યક્તિઓએ ગૂગલ ફોર્મ મારફતે પોતાની વિગતો નોંધાવવાની રહેશે. ફોર્મ સબમિટ થયા બાદ સત્તાવાર વોટ્સએપ ગ્રુપની લિંક પ્રાપ્ત થશે, જેમાં કાર્યશાળા સંબંધિત સમયપત્રક, જરૂરી સૂચનાઓ અને મહત્વપૂર્ણ અપડેટ્સ શેર કરવામાં આવશે.

આ કાર્યશાળામાં જોડાવા ઇચ્છુક લોકો માટે આયોજકો દ્વારા વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, અણુવ્રતના સંદેશ “સુધરે વ્યક્તિ, સમાજ વ્યક્તિથી, રાષ્ટ્ર સમાજથી” ને સાકાર બનાવવા માટે જીવન વિજ્ઞાનનું પ્રશિક્ષણ સમયની માંગ બની ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande