
પાટણ, 22 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર રાજકીય રસાકસી જોવા મળી રહી છે. કુલ 24 બેઠકોમાં બંને પક્ષો પાસે 12-12 સભ્યો હોવાથી ટાઈની સ્થિતિ સર્જાઈ છે. બહુમતી માટે 13 સભ્યો જરૂરી હોવાથી બંને પક્ષો એક પણ સભ્ય તૂટે નહીં તે માટે સતર્ક બન્યા છે. કોંગ્રેસે પોતાના વિજેતા સભ્યોને ખાનગી સ્થળે ખસેડી કેમ્પમાં રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસ શહેર પ્રમુખ દિપકભાઈ પટેલે જણાવ્યું કે પાટણ અને સરસ્વતી તાલુકાના સભ્યોને અલગ અલગ સ્થળે રાખવામાં આવ્યા છે અને તેઓ ચૂંટણી સમયે સીધા તાલુકા પંચાયત કચેરીએ પહોંચશે.
બીજી તરફ ભાજપ મહામંત્રી સંજય પટેલે કહ્યું કે ભાજપના તમામ સભ્યો પાટણમાં જ છે અને પક્ષ દ્વારા કોઈ કેમ્પ કરવામાં આવ્યો નથી.
જિલ્લાની અન્ય તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 13 અને ભાજપ પાસે 7 બેઠકો છે, જ્યારે સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 14 અને ભાજપ પાસે 7 બેઠકો છે. જોકે સરસ્વતી તાલુકા પંચાયતમાં કાંટાની ટક્કર અને સંભવિત તોડફોડ પર સૌની નજર છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ