
પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રતાપ ઓઘડભાઈ ખિસ્તરિયાએ મુખ્યમંત્રીને આવેદન પાઠવી ખેડૂતોને વાવણી માટે ડીઝલ તાત્કાલિક ધોરણે પૂરું પાડવા રજુઆત કરી છે. આ રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે, આજે ગુજરાત નો ખેડૂત પેટ્રોલ પંપ ની લાઈન માં ઊભો છે. હાથ માં ડબ્બો છે, ખિસ્સા માં પૈસા છે, પણ ડીઝલ નથી.
વાવણી નો સમય છે. ટ્રેક્ટર ઊભું છે. પાણી નું પંપ બંધ છે. અને પંપ વાળો કહે છે “ડીઝલ ખૂટી ગયું”. છેલ્લા 5 દિવસ થી આ પરિસ્થિતિ છે. ગામડે ગામડે બૂમાબૂમ છે. જે ખેડૂત સવારે 4 વાગ્યે ઊઠી ને ખેતરે જાય છે, એ આજે સવારે 4 વાગ્યે પંપ ઉપર લાઈન માં ઊભો છે. 2 કલાક ઊભા રહ્યા પછી જવાબ મળે છે “આજે પૂરું થઈ ગયું, કાલે આવજો”. કાલે આવો તો એ જ જવાબ. આ મજાક છે? વરસાદ માથે છે. વાવણી ન થાય તો આખું વરસ ભૂખે મરવાનો વારો આવે. ટ્રેક્ટર ન ચાલે તો ખેડ કેમ થાય? પંપ ન ચાલે તો ઊભા પાક ને પાણી કેમ મળે? ડીઝલ એ ખેડૂત નું લોહી છે. એના વગર ખેતી બંધ. કહે છે કે “સપ્લાય ઓછી છે”. પણ કાળા બજાર માં 100 રૂપિયા લીટર મળે છે. પંપ ઉપર નથી અને બાજુ ની ગલી માં ટ્રેક્ટર ભરી ને વેચાય છે.
આ કેવો અન્યાય? ખેડૂત ને પોષાય એવા ભાવે ડીઝલ ન મળે, પણ દલાલો ને કમાવા મળી જાય. સરકાર કહે છે “અમે ખેડૂતો ની સાથે છીએ”. તો આ સાથે ઊભા રહેવાનું કે શું? ખેડૂત નો દીકરો બોર્ડર પર ઊભો રહી દેશ ની રક્ષા કરે છે, અને એનો બાપ અહીં પંપ પર લાઈન માં ઊભો રહી ડીઝલ ની ભીખ માંગે છે. આ સાથે પ્રતાપભાઈ ઓઘડભાઈ ખીસ્તરિયાએ ખેડૂત ને પહેલી પ્રાથમિકતા આપો. દરેક પંપ પર “ખેડૂતો માટે અલગ લાઈન” કરો. ખેડૂત કાર્ડ / 7-12 ના ઉતારા બતાવી ને સીધું ડીઝલ આપો., કાળા બજારિયા પર તાત્કાલિક કેસ કરો અને જે અધિકારી સપ્લાય રોકે છે એને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું છે કે, ખેડૂત જગત નો તાત છે. એને ભૂખ્યો રાખશો તો આખો દેશ ભૂખે મરશે. ડીઝલ નથી જોઈતું, હક જોઈએ છે. આજે નહીં આપો તો કાલે રસ્તા પર ઉતરીશું. ટ્રેક્ટર લઈને વિધાનસભા ઘેરશું જેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya