
સુરત, 22 મે (હિ.સ.) : સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ભીમરાડ-બમરોલી રોડ પર તૃપ્તિ નગર પાસે એક આશરે 20 થી 25 દિવસની નવજાત બાળકીને કોઈ અજાણી વ્યક્તિ રસ્તા કિનારે જૂની બાઇકો અને કારોની વચ્ચે મૂકી ફરાર થઈ ગયો હતો. બાળકીને એવી જગ્યાએ છોડી દેવામાં આવી હતી જ્યાં આસપાસ કોઈ સીસીટીવી કેમેરા ન હોવાથી આરોપી સરળતાથી ભાગી છૂટ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સફાઈ કામગીરી કરી રહેલા એક મહિલા સફાઈકર્મીની નજર રડતી હાલતમાં પડેલી બાળકીએ ખેંચી લીધી. તેમણે તરત જ સ્થાનિક લોકોને જાણ કરી અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને બોલાવી હતી. બાદમાં બાળકીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકો સફાઈકર્મીની સતર્કતા અને માનવતાની ભાવનાને વખાણી રહ્યા છે.
આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે તેમજ ખાનગી બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે બાળકીને છોડનાર વ્યક્તિ વિસ્તારથી પરિચિત હોઈ શકે છે અને તેણે પૂર્વયોજિત રીતે આ કૃત્ય કર્યું હોઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે