
વલસાડ, 22 મે (હિ.સ.) : માર્ચ-૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ નિરાશામાં ગરકાવ ન થાય અને તેમનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે સંવેદનશીલ અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ આગામી જુલાઈ-૨૦૨૬માં યોજાનારી પૂરક પરીક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ તાલુકાઓમાં “વિશેષ શૈક્ષણિક માર્ગદર્શન વર્ગો” શરૂ કરવામાં આવ્યા છે.
જિલ્લા શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ઘણા વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થતાં નિરાશ થઈ અભ્યાસ છોડવાની સ્થિતિમાં પહોંચી જાય છે. આવા વિદ્યાર્થીઓને શોધી તેમને મજબૂત શૈક્ષણિક માર્ગદર્શન આપવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે, જેથી તેઓ પૂરક પરીક્ષામાં સફળતા મેળવી આગળના અભ્યાસમાં જોડાઈ શકે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો અને નબળા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ફરીથી મજબૂત બનાવવાનો છે.
આ પ્રોજેક્ટના અસરકારક અમલ માટે જિલ્લાના દરેક તાલુકામાં એક વિશિષ્ટ “કેન્દ્ર શાળા” પસંદ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગની હાકલને પ્રતિસાદ આપતાં અનેક પ્રતિષ્ઠિત શાળાઓ તથા વિષય નિષ્ણાત શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે માર્ગદર્શન વર્ગો શરૂ કરવાની પહેલ કરી છે.
સમગ્ર અભિયાનની ગુણવત્તા અને કામગીરી પર દેખરેખ રાખવા જિલ્લાના અનુભવી વર્ગ-૨ના આચાર્યો માર્ગદર્શન આપી રહ્યા છે.
બદલાતા સમયને ધ્યાનમાં રાખી આ માર્ગદર્શન વર્ગોમાં ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણનો સમન્વય કરવામાં આવ્યો છે. ઓફલાઇન વર્ગો માટે કેન્દ્ર શાળાઓમાં સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી નિયમિત શિક્ષણ આપવામાં આવશે.
જ્યારે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા અથવા રોજ કેન્દ્ર શાળા સુધી પહોંચી ન શકતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વર્ગોની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે. તજજ્ઞ શિક્ષકો આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા મુશ્કેલ વિષયોનું સરળતાથી માર્ગદર્શન મેળવી શકે.
જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અપીલ કરી છે કે નિષ્ફળતાથી હતાશ થયા વગર સરકાર દ્વારા શરૂ કરાયેલી આ નિઃશુલ્ક અને ગુણવત્તાસભર સુવિધાનો વધુમાં વધુ લાભ લે અને જુલાઈમાં યોજાનારી પૂરક પરીક્ષામાં સફળતા મેળવી પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha