

પાટણ, 22 મે (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં HOI/INO સ્તરની આધાર આધારિત બાયોમેટ્રિક eKYC પ્રક્રિયા પૂર્ણ ન થતા અનુસૂચિત જાતિના હજારો વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવી શક્યા નથી. આ યોજનામાં 60 ટકા સહાય રકમ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં DBT મારફતે જમા થતી હોવાથી eKYC ફરજિયાત છે.
પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીએ યુનિવર્સિટીને ચાર વખત સ્મૃતિપત્ર પાઠવી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી હતી. છતાં યુનિવર્સિટીના વહીવટી વિભાગો દ્વારા હજુ સુધી જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી.
યુનિવર્સિટીની બેદરકારીને કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. વિદ્યાર્થીઓના હિતમાં પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન નરેશભાઈ પરમારે શિક્ષણ મંત્રી પ્રધ્યુમન વાઝા અને કુલપતિને રજૂઆત કરી તાત્કાલિક eKYC પૂર્ણ કરવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ