
- 35 બહેનો અને દીકરીઓ આત્મનિર્ભરતા તરફ આગળ વધી.
ભાવનગર, 22 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મોટી પાણીયાળી ગામે ગ્રામ્ય વિસ્તારની બહેનો અને દીકરીઓ માટે આત્મનિર્ભરતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા ‘સમર વેકેશન સીવણ વર્ગ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે શરૂ કરાયેલા આ વર્ગમાં હાલમાં ગામ તથા આસપાસના વિસ્તારોની આશરે 35 બહેનો અને દીકરીઓ ઉત્સાહભેર તાલીમ મેળવી રહી છે.
આ સીવણ વર્ગ ભગિની મિત્ર મંડળ ના વિશેષ સહયોગથી તેમજ સંસ્થાના મેનેજિંગ પ્રમુખ મોટાભાઈ નાનુભાઈ શિરોયા ના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો છે. વેકેશન દરમિયાન સમયનો સદુપયોગ થાય અને ગ્રામ્ય મહિલાઓને ઘરઆંગણે રોજગારીલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થાય તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ગ દરમિયાન બહેનોને સિલાઈની પ્રાથમિક તાલીમ, કપડાંની કટિંગ, મશીન સંચાલન અને વિવિધ પ્રકારના વસ્ત્રો તૈયાર કરવાની માહિતી આપવામાં આવી રહી છે. તાલીમાર્થી બહેનોમાં આ અભ્યાસક્રમ પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણી બહેનો ભવિષ્યમાં સ્વરોજગાર શરૂ કરવાની આશા સાથે તાલીમ મેળવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. વાલીઓ અને ગ્રામજનોએ પણ આ પહેલને બિરદાવી સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આવા તાલીમ વર્ગો દ્વારા ગ્રામ્ય દીકરીઓ અને બહેનોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ આર્થિક રીતે સશક્ત બનવાની દિશામાં આગળ વધી શકે છે. આ સમગ્ર આયોજન ગ્રામ્ય નારીશક્તિના કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ તરફનું એક પ્રેરણાદાયક પગલું બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA