સુરતમાં 12 કલાકમાં ત્રણ ભીષણ આગની ઘટનાઓ, વેસુમાં 60થી વધુ લોકોનું રેસ્ક્યુ
સુરત, 22 મે (હિ.સ.) : સુરત શહેરમાં છેલ્લા 12 કલાક દરમિયાન આગની ત્રણ ગંભીર ઘટનાઓ બનતા ફાયર વિભાગ અને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. વેસુ, ડભોલી અને પાંડેસરા વિસ્તારમાં લાગેલી આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઉનાળાની ગરમી અને વધતા તાપમ
Surat


Surat


સુરત, 22 મે (હિ.સ.) : સુરત શહેરમાં છેલ્લા 12 કલાક દરમિયાન આગની ત્રણ ગંભીર ઘટનાઓ બનતા ફાયર વિભાગ અને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. વેસુ, ડભોલી અને પાંડેસરા વિસ્તારમાં લાગેલી આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઉનાળાની ગરમી અને વધતા તાપમાન વચ્ચે બનેલી આ ઘટનાઓને કારણે શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

વેસુ વિસ્તારમાં અગ્રવાલ સ્કૂલ નજીક આવેલી ‘જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટીમા’ નામની હાઇરાઇઝ બિલ્ડિંગના સી-ટાવરમાં મોડી રાત્રે નવમા અને દસમા માળે આગ લાગી હતી. આગ બાદ આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ જતા ઉપરના માળે રહેલા લોકો ફસાઈ ગયા હતા અને બાલ્કનીમાંથી મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે 90 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત 60થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

ડભોલી વિસ્તારમાં આવેલી એક ઇ-કોમર્સ કંપનીના વિશાળ ગોડાઉનમાં પણ મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં ઇલેક્ટ્રોનિક્સ સામાન, કપડાં, પ્લાસ્ટિક વસ્તુઓ અને પેકિંગ મટિરિયલનો મોટો જથ્થો સંગ્રહિત હતો. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં આખું ગોડાઉન ધુમાડા અને જ્વાળાઓથી ઘેરાઈ ગયું હતું. ફાયર વિભાગની અનેક ટીમોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનું માનવામાં આવે છે.

ત્રીજી ઘટના પાંડેસરા નજીક ડુંડી ગામના ખુલ્લા પ્લોટમાં બની હતી, જ્યાં કચરામાં અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા નજીકમાં પાર્ક કરેલી એક ઓટોરિક્ષા સંપૂર્ણ સળગી ગઈ હતી. આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોની જાણ બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને સમયસર આગ કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande