
વલસાડ, 22 મે (હિ.સ.) : આગામી બકરી ઈદ પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે વાપી પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. તે અંતર્ગત આજે વાપીના રાજસ્થાન ભવન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાપી ટાઉન, જીઆઈડીસી તથા ડુંગરા ગ્રામ્ય વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપરાંત વિવિધ સમાજોના આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નવ નિયુક્ત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન DYSP બી.એન. દવે એ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અફવા, અશાંતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજ અથવા પોસ્ટ શેર કરીને માહોલ બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને ભાઈચારો જાળવી રાખવા, અફવાઓથી દૂર રહેવા અને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાની અપીલ કરવામાં આવી હતી।
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha