
વાપી, 22 મે (હિ.સ.) : વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 11 વર્ષની સગીર ભત્રીજી સાથે છેડતી કરવાના આરોપી કાકાની નિયમિત જામીન અરજી નામંજૂર કરી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ આ ઘટના ૬ મે, ૨૦૨૬ના રોજ વાપીના ડુંગરા વિસ્તારમાં બની હતી. ૩૬ વર્ષીય આરોપીએ પોતાની જ ૧૧ વર્ષની સગીર ભત્રીજી સાથે અશ્લીલ હરકતો કરી હતી. બાળકી તેના નાનાના ઘરે ગઈ હતી ત્યારે આરોપીએ તેને રૂમમાં એકલી જોઈ તેનો હાથ પકડી બળજબરીપૂર્વક પોતાના રૂમમાં ખેંચી ગયો હતો.
આરોપીએ બાળકીના શરીર પર અયોગ્ય સ્પર્શ કર્યો હતો તેમજ પોતાના કપડાં ઉતારી બાળકી પાસે તેલ માલિશ કરાવી હતી. રાત્રે અંદાજે ૮:૩૦ વાગ્યે ગભરાયેલી હાલતમાં બાળકી ઘરે પરત ફરી હતી અને સમગ્ર ઘટનાની જાણ માતાને કરી હતી. શરૂઆતમાં બદનામીના ભયને કારણે પરિવારે મૌન રાખ્યું હતું, પરંતુ બાદમાં પીડિતાની માતા સમા પરવિને ડુંગરા પોલીસ સ્ટેશનમાં પોતાના જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ડુંગરા પોલીસે આરોપી ઇમત્યાઝ ખાનની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલમાંથી મુક્ત થવા આરોપીએ વાપીની સ્પેશિયલ કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી હતી.
જામીન અરજીની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના જ ભાઈની સગીર પુત્રી સાથે ગંભીર ગુનો આચર્યો છે. આવા આરોપીને જામીન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જઈ શકે છે તેમજ સાક્ષીઓ પર દબાણ સર્જાઈ શકે છે.
સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી વાપીના પોક્સો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ ડૉ. એચ. એન. વકીલે આરોપીની નિયમિત જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha