એપીએમસી વાલીયા દ્વારા ‘કઠોળ આત્મનિર્ભરતા મિશન’ અંતર્ગત રેકોર્ડબ્રેક ખરીદી કરી
- 40.38 કરોડના મૂલ્યની તુવેર ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને ટેકો કર્યો - 1688 પ્રગતિશીલ ખેડૂતો પાસેથી 50475 ક્વિન્ટલ તુવેરની મબલખ ખરીદી કરવામાં આવી છે - ખેડૂતોને વચેટીયાઓથી બચાવવા તેમની મહેનતનું પૂરતું વળતર અપાવવા માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદે
એપીએમસી વાલીયા દ્વારા ‘કઠોળ આત્મનિર્ભરતા મિશન’ અંતર્ગત રેકોર્ડબ્રેક ખરીદી કરી


- 40.38 કરોડના મૂલ્યની તુવેર ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને ટેકો કર્યો

- 1688 પ્રગતિશીલ ખેડૂતો પાસેથી 50475 ક્વિન્ટલ તુવેરની મબલખ ખરીદી કરવામાં આવી છે

- ખેડૂતોને વચેટીયાઓથી બચાવવા તેમની મહેનતનું પૂરતું વળતર અપાવવા માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદે છે

ભરૂચ, 22 મે (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ચાલુ ખરીફ સીઝન વર્ષ 2025-2026 દરમિયાન,એપીએમસી વાલિયા દ્વારા કઠોળ આત્મનિર્ભરતા મિશન યોજના હેઠળ ટેકાના ભાવે તુવેરની ભવ્ય અને રેકોર્ડબ્રેક ખરીદી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

1688 ખેડૂતો પાસેથી 50475 ક્વિન્ટલ તુવેરની ખરીદી

એપીએમસી વાલિયાના ચેરમેન યોગેન્દ્રસિંહ જે. મહીડાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેરનો ટેકાનો ભાવ 8000 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો હતો. નાફેડ અમદાવાદના માધ્યમથી એપીએમસી વાલિયા કેન્દ્ર ખાતે વિસ્તારના કુલ 1688 પ્રગતિશીલ ખેડૂતો પાસેથી 50475 ક્વિન્ટલ તુવેરની મબલખ ખરીદી કરવામાં આવી છે. આ સમગ્ર ખરીદીનું કુલ મૂલ્ય 40.38 કરોડ જેટલું થવા જાય છે, જે સીધેસીધું ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવ્યું છે.

ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડાએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતોને વચેટીયાઓથી બચાવવા અને તેમની મહેનતનું પૂરતું વળતર અપાવવા માટે સરકાર દ્વારા અનાજ, કઠોળ અને તેલીબિયાં માટે સમયાંતરે ટેકાના ભાવ એમએસપી જાહેર કરવામાં આવે છે. એપીએમસી વાલિયા હંમેશાં ખેડૂતોના હિતમાં આ ભાવો મુજબ પારદર્શક ખરીદી કરે છે અને ભવિષ્યમાં પણ ખેડૂતોને આવા પોષણક્ષમ ભાવ મળતા રહે તેની સંપૂર્ણ બાંહેધરી આપે છે.

ખેડૂતો પોતાની ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરીને વધુમાં વધુ નફો મેળવી શકે તે હેતુથી એક મહત્વકાંક્ષી યોજના ઘડી કાઢવામાં આવી છે. સરકારના સહયોગથી ટૂંક જ સમયમાં એપીએમસી વાલિયાના મુખ્ય યાર્ડ તેમજ સબ યાર્ડ નેત્રંગ ખાતે આધુનિક પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરવામાં આવશે.

ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને એપીએમસી વાલીયા દ્વારા ચાલુ વર્ષે તુવેરની જેમ જ મગની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તે માટે સરકારના યોગ્ય સ્તરે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

આ સમગ્ર ખરીદી પ્રક્રિયાને સુચારુ અને સફળ બનાવવામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, રિતેશ વસાવા, રમેશ મિસ્ત્રી તેમજ ડી.કે. સ્વામીનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો.

આ ઉપરાંત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નાફેડ અમદાવાદના અધિકારીઓ-કર્મચારીઓ, ગુજરાત રાજ્ય વખાર નિગમના અધિકારીઓ તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને બજાર સમિતિ વાલીયાના સ્ટાફ તરફથી મળેલા અભૂતપૂર્વ સહકાર બદલ ચેરમેનએ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ યોજનાનો લાભ લેનાર તમામ ખેડૂત ભાઈઓનો પણ સંસ્થા વતી આભાર માનવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande