
અમરેલી, 23 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલની અછત અંગે ચર્ચાઓ વચ્ચે અનેક પેટ્રોલપંપો પર ખેડૂતો અને વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખેતીની સિઝન શરૂ થતા ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે ડીઝલની માંગમાં વધારો થયો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ખેડૂતો પેટ્રોલપંપો પર ઉમટી પડતા જોવા મળી રહ્યા છે.
જિલ્લાના કેટલાક તાલુકા મથકો અને ગામડાઓમાં ટ્રેક્ટરો અને અન્ય વાહનોની લાંબી લાઈનોને કારણે ટ્રાફિક જેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે. ખાસ કરીને હાલ ખેતી માટેનો મહત્વપૂર્ણ સમય હોવાથી ખેડૂતોએ ડીઝલનો પૂરતો જથ્થો મેળવવા માટે દોડધામ શરૂ કરી છે.
આ સમગ્ર મામલે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે. નાગરિકો અને ખેડૂતો કોઈપણ પ્રકારની અફવાઓમાં વિશ્વાસ ન કરે. રાજ્ય સરકાર તરફથી નિયમિત રીતે ઈંધણનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે અને સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે કાર્યરત છે.”
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાંથી અછત અંગે ફરિયાદો મળતા જ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. પેટ્રોલપંપ સંચાલકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે ડીઝલનો બિનજરૂરી સંગ્રહ ન કરવામાં આવે અને સામાન્ય ગ્રાહકો તેમજ ખેડૂતોને સરળતાથી ઈંધણ મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવામાં આવે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ખેડૂતો અને નાગરિકોને શાંતિ જાળવી જરૂરી પ્રમાણમાં જ ડીઝલ ખરીદવા અપીલ કરવામાં આવી છે, જેથી દરેક સુધી સરળતાથી ઈંધણ પહોંચે અને અછત જેવી પરિસ્થિતિ ઉભી ન થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai