


પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદર શહેરમાં આવેલ આર્ય સમાજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિશુલ્ક સમર યોગ કેમ્પ તથા સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં 7 થી 15 વર્ષના બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને યોગ સાથે સંસ્કાર આધારિત પ્રવૃત્તિઓનો લાભ મેળવી રહ્યા છે. કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યોગ, સ્વાસ્થ્ય અને સંસ્કારના મહત્વ સાથે ભારત સરકાર દ્વારા યોજાનારી જનગણના 2027 અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાની વસ્તી ગણતરી શાખા દ્વારા ઉપસ્થિત વાલીઓ અને નાગરિકોને જનગણનાના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કો-ઓર્ડીનેટર કેતનભાઇ કોટિયાએ જણાવ્યું હતું કે જનગણના માત્ર વસ્તીની ગણતરી નહીં પરંતુ દેશના ભવિષ્યના વિકાસ માટેનો આધારસ્તંભ છે. સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, માર્ગ-મકાન, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, રોજગાર, મહિલાઓ અને બાળકોના કલ્યાણ સહિતની અનેક યોજનાઓનું આયોજન જનગણનાના આંકડાઓના આધારે કરવામાં આવે છે. સાચી અને સંપૂર્ણ માહિતી દેશના આયોજનને વધુ અસરકારક બનાવે છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વાલીઓને પોતાના મોબાઈલ ફોન દ્વારા “સ્વ-ગણતરી” પ્રક્રિયામાં કેવી રીતે જોડાવું તેની માહિતી મહાનગરપાલિકાના વસ્તી ગણતરી શાખાના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી. જનગણના માટે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિજિટલ પોર્ટલ અને મોબાઈલ આધારિત વ્યવસ્થાના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી. વાલીઓને જણાવવામાં આવ્યું હતું કે સ્વ-ગણતરી પદ્ધતિ દ્વારા પરિવારના સભ્યો પોતાની માહિતી જાતે જ ઓનલાઈન પોર્ટલ પર નોંધાવી શકે છે, જેના કારણે માહિતી વધુ ઝડપથી અને ચોકસાઈપૂર્વક ઉપલબ્ધ બની શકે છે. સાથે જ ઉપસ્થિત નાના બાળકોને પણ પોતાના ઘરે જઈ માતા-પિતા અને પરિવારજનોને જનગણનામાં જોડાવા માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી, જેથી આ અભિયાનને લોકભાગીદારીનો વિશાળ આધાર મળી શકે. દરેક નાગરિકે પોતાની અને પરિવારની માહિતી સંપૂર્ણ, સાચી અને સમયસર પોર્ટલ પર નોંધાવવી જોઈએ, જેથી સરકાર દ્વારા કરવામાં આવતી ભાવિ યોજનાઓ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકાય.
સમર યોગ કેમ્પમાં યોગાભ્યાસ, પ્રાણાયામ અને સંસ્કાર શિક્ષણ સાથે રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓએ પણ બાળકોમાં યોગ, શિસ્ત અને રાષ્ટ્રીય જવાબદારી પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસોને પ્રશંસનીય ગણાવ્યા હતા.
આ તકે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, કોર્પોરેટર સાગરભાઈ મોદી, કોર્પોરેટર મનીષભાઈ શિયાળ, કરશનભાઇ સલેટ, કેતનભાઇ વિજયભાઈ ગોહેલ, ધનજીભાઈ આર્ય, કાંતિભાઈ જુંગીવાલા, નાથાભાઈ લોઢારી, ગગનભાઈ આર્ય, કાંતિભાઈ મોદી, ગુજરાત યોગ બોર્ડ જિલ્લા કો ઓર્ડિનેટર કેતનભાઇ કોટિયા, જીગ્નાબેન ગોસ્વામી, પરમેશ્વરભાઇ માલમ, યશ ડોડીયા, પ્રફુલ્લાબેન ગાધેર, તૃપ્તિબેન રાચ્છ, પૂજાબેન ગોહેલ, જલ્પાબેન વાળા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya