
દમણ, 23 મે (હિ.સ.) : દમણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત આગામી પ્રવાસની ચર્ચાઓ વચ્ચે દમણ પોલીસે દરિયાકાંઠા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી શંકાસ્પદ બોટને ઝડપી પાડી છે. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક બનાવી દીધી છે. દમણ પોલીસ દ્વારા સતત કલાકો સુધી ચાલેલા સઘન કોસ્ટલ સર્ચ ઓપરેશન બાદ આ મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ દમણ પોલીસ અધિક્ષક તથા SDPOના કડક માર્ગદર્શન હેઠળ દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર દાણચોરી અને શંકાસ્પદ હલચલ પર નજર રાખવા તમામ કોસ્ટલ યુનિટોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. ખાસ કરીને વડાપ્રધાનના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખી દરિયાકાંઠા વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચેકિંગ વધુ કડક કરવામાં આવ્યું હતું.
તા. 21 મે, 2026 ના રોજ વહેલી સવારે અંદાજે 4 વાગ્યે નાની દમણ જેટી નજીક દરિયાકાંઠા વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓએ એક શંકાસ્પદ બોટને ગુપ્ત રીતે આગળ વધતી જોયી હતી. બોટની હલચલ શંકાસ્પદ લાગતા પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બોટમાં સવાર વ્યક્તિઓ ગીર સોમનાથ જિલ્લાના સુથારપાડા વિસ્તારથી દમણ તરફ આવી રહ્યા હતા અને દમણમાંથી ગુજરાતના ગીર સોમનાથ વિસ્તારમાં મોટા પાયે દારૂની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ નરેશ હળપતિ, IRBN કોન્સ્ટેબલ ઉબૈદુલ્લા પી.કે. તેમજ નાની દમણ PCR સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી બોટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની હાજરીનો અંદાજ આવતા શંકાસ્પદ લોકો બોટને તેજ ગતિએ ભગાડી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની માહિતી તરત જ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્રના તમામ કોસ્ટલ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ખાસ ટીમો બનાવી ઇન્ટેલિજન્સના આધારે સતત માહિતી એકત્ર કરવામાં આવી અને દરિયાકાંઠા વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
નાની દમણ પોલીસ સ્ટેશનના SHO તથા તેમની ટીમે દિવસ-રાત સતત કામગીરી ચાલુ રાખી હતી. આખરે તા. ૨૨ મેના રોજ ચોક્કસ બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ બોટને શોધી કાઢી સફળતાપૂર્વક ઝડપી પાડી હતી.
પોલીસે બોટમાં સવાર બે વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા છે. જેમાં હાશન અય્યુબ (ઉંમર ૪૦ વર્ષ), રહેવાસી – સુથારપાડા, ગીર સોમનાથ- કાનાભાઈ મુશ્રીભાઈ વડવી (ઉંમર ૪૫ વર્ષ), રહેવાસી – સુથારપાડા, ગીર સોમનાથનો સમાવેશ થાય છે.
પોલીસે શંકાસ્પદ બોટ જપ્ત કરી સંબંધિત એજન્સીઓને સમગ્ર મામલે માહિતી પાઠવી છે. હાલ બોટનો ઉપયોગ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે થતો હતો કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વડાપ્રધાનના સંભવિત પ્રવાસ પહેલા આવી શંકાસ્પદ હલચલ સામે આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. દમણ પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે દરિયાઈ માર્ગે દારૂની દાણચોરી અથવા કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દરિયાકાંઠાની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha