BHMS એડમિશનના બહાને મોટું કૌભાંડ, સુરતના વેપારી પાસેથી લાખોની છેતરપિંડી
સુરત, 23 મે (હિ.સ.) : સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા એક વેપારી સાથે BHMS એડમિશન અપાવવાના નામે રૂ. 8.85 લાખની છેતરપિંડી થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા ફરિયાદીની ફેસબુક મારફતે એક વ્યક્તિ સ
Fraud


સુરત, 23 મે (હિ.સ.) : સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા એક વેપારી સાથે BHMS એડમિશન અપાવવાના નામે રૂ. 8.85 લાખની છેતરપિંડી થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા ફરિયાદીની ફેસબુક મારફતે એક વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી, જેણે પોતાને ડોક્ટર તરીકે રજૂ કરીને મધ્ય પ્રદેશની સોફિયા કોલેજમાં સીધો પ્રવેશ અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

આરોપીએ કોલેજના ટ્રસ્ટીઓ સાથે નજીકના સંબંધ હોવાનો દાવો કરીને કોઈ પરીક્ષા કે નિયમિત પ્રક્રિયા વગર એડમિશન અપાવી દેવાની ખાતરી આપી હતી. વિશ્વાસમાં આવી ગયેલા વેપારીએ પહેલા ઓનલાઈન રૂ. 3.85 લાખ ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે બાકીની રકમ રૂબરૂમાં ચુકવી હતી. કુલ રૂ. 8.85 લાખ મેળવ્યા બાદ આરોપીઓએ એડમિશન લેટર, માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા.

ફરિયાદીને શરૂઆતમાં જ શંકા ગઈ હતી કારણ કે કોઈ પરીક્ષા કે કોલેજમાં હાજરી વગર સીધી ડિગ્રી આપવામાં આવી હતી. જ્યારે તેમણે આ અંગે સવાલ કર્યો ત્યારે આરોપીઓએ માત્ર “ડિગ્રીથી મતલબ રાખો” કહી મામલો ટાળવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં દસ્તાવેજોની તપાસ કરતાં જાણવા મળ્યું કે માર્કશીટ અને ડિગ્રી બંને નકલી હતા અને જે વ્યક્તિ પોતાને ડોક્ટર ગણાવતો હતો તેની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી પણ નહોતી.

આ સમગ્ર કૌભાંડ બહાર આવતા ફરિયાદીએ પોતાના પૈસા પરત માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ રૂપિયા આપવાને બદલે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અંતે પીડિતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ બોગસ ડિગ્રી રેકેટ સાથે અન્ય લોકો જોડાયેલા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande