બોટાદ નગરપાલિકા દ્વારા શાકમાર્કેટ વિસ્તારમાં સાફ-સફાઈ અભિયાનનો પ્રારંભ
બોટાદ, 23 મે (હિ.સ.) : બોટાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા તેમજ બંધ પડેલી મિલકતોનો લોકોના હિતમાં પુનઃઉપયોગ કરવાના ઉદ્દેશ્ય સાથે આજરોજ બોટાદ નગરપાલિકા દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. બોટાદ શહેરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં વર્ષોથી બંધ હ
ભાવનગર


બોટાદ, 23 મે (હિ.સ.) : બોટાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા તેમજ બંધ પડેલી મિલકતોનો લોકોના હિતમાં પુનઃઉપયોગ કરવાના ઉદ્દેશ્ય સાથે આજરોજ બોટાદ નગરપાલિકા દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. બોટાદ શહેરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં વર્ષોથી બંધ હાલતમાં પડેલા શોપિંગ સેન્ટરમાં નગરપાલિકા દ્વારા વિશેષ સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ આ વિશાળ શોપિંગ સેન્ટરમાં ઘણી બધી દુકાનો આવેલી છે. પરંતુ લાંબા સમયથી તેનો કોઈ ઉપયોગ ન થવાને કારણે આ જગ્યા ખંડેર બની ગઈ હતી અને અહીં કચરાના મોટા ઢગલા જમા થઈ ગયા હતા. ગંદકીના આ સામ્રાજ્યને દૂર કરવાના હેતુથી આજરોજ બોટાદ નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ ખસિયા, ઉપપ્રમુખ છેલાભાઈ મેર અને કારોબારી ચેરમેન નીતિનભાઇ સુતરીયાની વિશેષ ઉપસ્થિતિમાં આ બંધ પડેલા શોપિંગ સેન્ટર ખાતે વ્યાપક સફાઈ કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. નગરપાલિકાના સભ્યોએ સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહીં પડેલા કચરાના ઢગલાઓનો સંપૂર્ણ નિકાલ કરી આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવશે. સફાઈની કામગીરી પૂર્ણ થયા બાદ વર્ષોથી બંધ પડેલા આ શોપિંગ સેન્ટરને ફરીથી કાર્યરત કરવામાં આવશે, જેનાથી સ્થાનિક વેપારીઓને નવી તકો મળશે અને શહેરના વેપાર-વાણિજ્યને વધુ વેગ મળશે.

નગરપાલિકાના આ હકારાત્મક નિર્ણય જ અને સફાઈ અભિયાનથી વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે, જેને સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા ભારે આવકાર મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande