
પોરબંદર, 23 મે (હિ.સ.) : બેરણ ગામે વાડી વિસ્તારમાં ટ્રેઇલર સાઈડમાં લેવા પ્રશ્ને ડખ્ખો થતા કારમાં આવેલા બે ઇસમો સામે ભાટીયાના યુવાને ગુન્હો નોંધાવ્યો છે. ભાટીયા ગામે રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા દેવશી કાનાભાઇ ડંડેચા ઉ.વ.38 દ્વારા એવી નોન કોગ્નીઝેબલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તે મહાદેવ કન્સ્ટ્રકશનનું ટ્રેઇલર લઇને તા. 22-5 ના પોરબંદર જિલ્લાના બેરણ ગામ ખાતે ઇટાચી મશીન ભરવા માટે આવ્યો હતો. વાડી વિસ્તારમાં રસ્તા પર ટ્રેઇલર ઉભુ રાખીને ઇટાચી મશીન લોડ કરતો હતો ત્યારે બેરણ ગામ તરફથી ડ્રેઝા ફોરવ્હીલ આવી હતી. જેમાં બે ઇસમો હતા જેમણે ફરીયાદી દેવશીને ટ્રેઇલર સાઇડમાં લેવાનું કહ્યુ હતુ જેથી તે ટ્રેઇલર સાઇડમાં લેતો હતો ત્યારે એક ઇસમે ફરીયાદીનો કાંઠલો પકડીને બે-ત્રણ ઝાપટ મારી હતી. બીજાએ ફરીયાદીને પાટુ મારીને પૂલ નીચે પછાડી દીધો હતો અને બંનેએ ગાળો આપી હતી તેથી બંને સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya