
દમણ, 23 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરતા દમણથી સુરત તરફ ચોરીછૂપીથી લઈ જવાતો રૂ.2.56 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ ભરેલી વેગેનાર કાર, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5.62 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ એલસીબી વલસાડની ટીમ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબીના અ.પો.કો. તેજપાલસિંહ મહેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે વાપીના બલીઠા જકાતનાકા નજીક રેલવેના મોટા ગળનારા ચઢાણ પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન સફેદ રંગની મારુતી સુઝુકી વેગેનાર કાર નંબર MH-03-FC-3205ને અટકાવી તપાસ કરતા કારની પાછળની સીટ, ક્લીનર સીટની નીચે તેમજ ડીક્કીમાં રાખેલા બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 1224 નંગ વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન (274.080 લીટર) કબજે કર્યા હતા, કિંમત રૂ.2,56,608 હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં પોલીસે નાની દમણ ખાતે રહેતા અનુજ શેષનાથ પરિક્ષણ રાય (ઉ.વ.23)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ભરેલી કાર આપનાર દુલાલ ગીરધારી મંડલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ.3 લાખ કિંમતની વેગેનાર કાર તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5,62,108નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી એલસીબી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. વસાવા, એ.એસ.આઈ વિજય માધવરાવ, અ.પો.કો. તેજપાલસિંહ મહેન્દ્રસિંહ અને અ.પો.કો. પરાક્રમસિંહ મનોહરસિંહે સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha