
દમણ, 23 મે (હિ.સ.) સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલી વિકાસના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે. આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં દમણને એક સાથે બે મોટી સોગાદ મળવા જઈ રહી છે, જેમાં નવનિર્મિત ભવ્ય સિવિલ એરપોર્ટ અને સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધાવાળી આધુનિક સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણ પૂર્વે પ્રશાસકની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય જાહેર સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.દમણના દેવકા રોડ ખાતે અંદાજે રૂ. 100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું અત્યાધુનિક સિવિલ એરપોર્ટ હવે ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. આશરે એક લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ એરપોર્ટમાં 5460 ચોરસ મીટરનું આધુનિક ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ ખાતે 180 મુસાફરોની ક્ષમતા ધરાવતો વેઇટિંગ રૂમ, 16 વ્યક્તિઓ માટે વિશેષ વીવીઆઈપી લોન્જ, 12 ચેક-ઇન કાઉન્ટર્સ તેમજ બે A-320 વિમાનો પાર્ક થઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. મુસાફરો માટે ૫૭ વાહનોનું પાર્કિંગ સ્ટેન્ડ પણ તૈયાર કરાયું છે. લોકાર્પણ બાદ એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) હસ્તક રહેશે.પ્રાપ્ત માહિતી મુજબ લોકાર્પણના પ્રથમ દિવસે જ દમણ-દિલ્હી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ દમણ-મુંબઈ અને દમણ-અમદાવાદ વચ્ચે પણ હવાઈ સેવા શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હવાઈ સેવાઓ શરૂ થતાં પર્યટન અને વેપાર ક્ષેત્રને મોટો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઉપરાંત મરવડ ખાતે રૂ. 250 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધાવાળી સરકારી હોસ્પિટલનું પણ લોકાર્પણ થનાર છે. આરોગ્ય અને પરિવહન ક્ષેત્રે આ બંને પ્રોજેક્ટ્સ સંઘ પ્રદેશ માટે ઐતિહાસિક સાબિત થશે.માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં દમણની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે. તેમના હસ્તે પ્રદેશના 25 થી વધુ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha