ધરમપુર તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય, પ્રમુખ-ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી
વલસાડ, 23 મે (હિ.સ.) : વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને ધરમપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણીને લઈને ભારે રસાકસી અને રાજકીય હલચલ જોવા મળી હતી.
ભાજપના વિજેતા પ્રમુખ-ઉપપ્રમુખનું કાર્યકરો અને આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.


વલસાડ, 23 મે (હિ.સ.) : વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને ધરમપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણીને લઈને ભારે રસાકસી અને રાજકીય હલચલ જોવા મળી હતી.

ધરમપુર તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપે ૧૩ બેઠકો જીતી બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસે ૧૧ બેઠકો પર વિજય મેળવ્યો હતો. એક અપક્ષ સભ્યના કારણે રાજકીય ગણિત વધુ રસપ્રદ બન્યું હતું. જિલ્લાની અન્ય તાલુકા પંચાયતોમાં ભાજપે સરળતાથી સત્તા જાળવી રાખી હતી, પરંતુ ધરમપુરમાં કોંગ્રેસે પણ પ્રમુખ પદ માટે મજબૂત દાવેદારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો હતો.

તા. ૨૩/૦૫/૨૦૨૬ના રોજ મળનાર ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય બેઠક માટે પક્ષ દ્વારા સત્તાવાર મેન્ડેટ (વ્હીપ) જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ તરીકે શકુન્તલાબેન સતિષભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે રણજીતભાઈ બાબલુભાઈ ચૌધરી, કારોબારી ચેરમેન તરીકે અશોકભાઈ સોમાભાઈ દીવા, પક્ષના નેતા તરીકે રઘુભાઈ રાજલભાઈ માંગી અને આનંદકુમાર રવીન્દ્રભાઈ બારીયાની પસંદગી માટે સભ્યોને સૂચના આપવામાં આવી હતી.

સામાન્ય સભા પૂર્વે બંને પક્ષોના કાર્યકરોમાં ભારે ઉત્સાહ તેમજ ચિંતા જોવા મળી હતી. અંતે ભાજપના ઉમેદવારોની જીત થતાં કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. પ્રદેશ ઉપપ્રમુખ અરવિંદ પટેલ, મહેન્દ્ર ચૌધરી સહિત ભાજપના આગેવાનો દ્વારા વિજેતા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં રોટેશન મુજબ પ્રમુખ પદની અનામત જાહેર કરવામાં આવી હતી. ધરમપુર તાલુકા પંચાયત માટે એસટી મહિલા બેઠક અનામત રાખવામાં આવી હતી. ભાજપની જીત બાદ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande