
વલસાડ, 23 મે (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા ‘હર ઘર નળ’ અને ‘નળ સે જળ’ યોજના હેઠળ વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાંથી સામે આવેલી તસવીરો આ દાવાઓની વાસ્તવિકતા ઉજાગર કરી રહી છે.
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે આવેલા કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામના બેરસ્તા ફળિયામાં લોકો આજે પીવાના પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
‘ગુજરાતનું ચેરાપુંજી’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે, છતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામલોકોને પાણી માટે જીવના જોખમે ૪૫ ફૂટ ઊંડા કૂવામાં ઉતરવું પડી રહ્યું છે. અંદાજે ૧૨૦૦ જેટલી વસ્તી ધરાવતા આ ફળિયામાં ૮ જેટલા સરકારી કૂવા હોવા છતાં ઉનાળો આવતા જ તમામ કૂવાઓ તળિયાઝાટક થઈ જાય છે.
પાણી મેળવવા માટે મહિલાઓ લોખંડની સીડી અને દોરડાના સહારે કૂવાની અંદર ઉતરી રહી છે, જ્યારે કેટલાક કૂવાઓમાં લોખંડના સળિયા પકડીને કોતરો સુધી પહોંચવું પડે છે. કૂવામાં ટીપે-ટીપે ભેગું થતા પાણીનું વાસણોમાં સંગ્રહ કરી ઉપર લાવવામાં આવે છે. આ દરમિયાન અનેક મહિલાઓ પગ લપસતાં ઈજાગ્રસ્ત પણ થઈ ચૂકી છે.
ગામમાં પાણી મેળવવું એ લોકો માટે યુદ્ધ સમાન બની ગયું છે. વહેલી સવારથી જ મહિલાઓની લાંબી કતારો લાગી જાય છે અને એક પરિવારને માત્ર એકથી બે બેડાં પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. મહિલાઓ પોતાના નાના બાળકો સાથે તડકામાં કલાકો સુધી કૂવા પાસે બેસી રહેવા મજબૂર બની છે.
સરકાર દ્વારા કપરાડા અને ધરમપુર વિસ્તાર માટે અંદાજે રૂ. ૫૮૬ કરોડના ખર્ચે ‘એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. યોજના હેઠળ ગામોમાં ઘરે-ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી આ નળોમાં પાણી પહોંચ્યું નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી આવ્યા પહેલા જ અનેક જગ્યાએ પાઈપલાઈનો અને નળ તૂટી ગયાં છે.
આઝાદીના દાયકાઓ બાદ પણ લોકોને પાણી જેવી મૂળભૂત સુવિધા માટે જીવ જોખમમાં મૂકવો પડે છે ત્યારે વિકાસના દાવાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. કંટાળેલા ગ્રામજનોએ તાત્કાલિક શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha