અંજારમાં શેખટીંબાથી રૂ. 2.50 લાખનો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો
કચ્છ, 23 મે (હિ.સ.) : અંજારમાં “નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ” અભિયાન હેઠળ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરતાં અંજાર પોલીસે શેખટીંબા વિસ્તારમાંથી અંદાજિત રૂપિયા 2.50 લાખના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો ભાઈ હાલ ફરાર હોવાનું સામે આવ્
ગાંજા સાથે પકડાયેલ આરોપી


કચ્છ, 23 મે (હિ.સ.) : અંજારમાં “નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ” અભિયાન હેઠળ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરતાં અંજાર પોલીસે શેખટીંબા વિસ્તારમાંથી અંદાજિત રૂપિયા 2.50 લાખના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો ભાઈ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે સતત ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન મળેલી બાતમીના આધારે આ સફળ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહોમદ ઉર્ફે પોપટ અબ્દુલ કકલ અને તેનો ભાઈ રિયાઝ અબ્દુલ કકલ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને છૂટક વેચાણ કરતા હતા. બાતમીને આધારે પોલીસે મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં અંદાજે પાંચ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. સ્થળ પરથી મહોમદ ઉર્ફે પોપટને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે તેનો ભાઈ રિયાઝ પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલા આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે જપ્ત કરાયેલો ગાંજો વેચાણ માટે તેના ભાઈ દ્વારા લાવવામાં આવ્યો હતો અને બંને ભાઈઓ મળીને વિસ્તારમાં માદક પદાર્થનું નેટવર્ક ચલાવતા હતા. પોલીસે સ્થળ પરથી ગાંજાના જથ્થા ઉપરાંત પેકિંગ માટે વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ, ટેપથી સીલ કરેલા પાર્સલ, થાળીઓ, મકાનની ચાવી અને આરોપીના દસ્તાવેજો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સમગ્ર મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી મહોમદ ઉર્ફે પોપટ અબ્દુલ કકલની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે ફરાર આરોપી રિયાઝ અબ્દુલ કકલને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એસ. ગઢવીને સોંપવામાં આવી છે.

અંજાર શહેરમાં માદક પદાર્થોના વધતા જતાં ખતરાને પગલે પોલીસે શરૂ કરેલા સઘન અભિયાનથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસના મતે આગામી દિવસોમાં પણ આવી જ રીતે સર્ચ ઓપરેશન અને દરોડાની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande