
કચ્છ, 23 મે (હિ.સ.): કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધી રહેલી મોંઘવારી અને ડીઝલની અછતના મુદ્દે હવે રાજકીય માહોલ ગરમાયો છે. પરિવહન ઉદ્યોગકારો, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓને લઈને આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ગાંધીધામ મામલતદાર કચેરી ખાતે પહોંચી મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે છેલ્લા કેટલાક સમયથી રોજિંદા જીવન માટે જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. બીજી તરફ ઈંધણના વધતા ભાવ અને ડીઝલની અછતને કારણે પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકો ભારે સંકટનો સામનો કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરોને કલાકો સુધી પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવું પડે છે છતાં પણ જરૂરી પ્રમાણમાં ડીઝલ મળતું નથી, જેના કારણે માલવાહક વાહનોની અવરજવર પ્રભાવિત થઈ રહી છે.
પાર્ટીએ ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા ખેડૂતોની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોર્યું હતું. હાલ વાવણીનો સમય નજીક હોવાથી ખેડૂતોને ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ મળવું જરૂરી છે, પરંતુ અનેક વિસ્તારોમાં ખેડૂતોને પણ ડીઝલ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી તેમજ ખાનગી પેટ્રોલ પંપ પર ખેડૂતો માટે વિશેષ ડીઝલ અનામત રાખવાની માંગ કરવામાં આવી હતી.
આ સાથે રાજ્યના મુખ્ય ધોરીમાર્ગો પર સતત ચાલતા પરિવહન વ્યવસાયને અસર ન થાય તે માટે 24 કલાક ડીઝલ ઉપલબ્ધ રહે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. પાર્ટીના આગેવાનોનો આક્ષેપ હતો કે સંગ્રહખોરી અને કૃત્રિમ અછતના કારણે બજારમાં ગેરવ્યવસ્થા સર્જાઈ રહી છે, જેના કારણે સામાન્ય જનતા વધુ મુશ્કેલીમાં મુકાઈ રહી છે. આવી પરિસ્થિતિ રોકવા માટે ભાવ નિયંત્રણ અને નિયમિત દેખરેખ માટે વિશેષ મોનિટરિંગ સ્ક્વોડ રચવાની માંગ પણ કરવામાં આવી હતી.
આવેદનપત્ર પાઠવતી વખતે કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અંસારી સહિત નીલેશ મહેતા, જિજ્ઞાશા સોંદરવા, નિશા દુદાણી, કોમલ દનીચા, સંજય સરિયાલા અને યોગેશ કુમઠેકર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar