કોઠારામાં દારૂના નશામાં ડમ્પર ચાલકનો આતંક : રેલવે ફાટક તોડી બેફામ દોડાવ્યું વાહન, અનેક ગાડીઓ ચકનાચૂર
કચ્છ, 23 મે (હિ.સ.) : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં શનિવારે સાંજના સમયે એક બેદરકાર અને નશાની હાલતમાં હોવાનું કહેવાતું ડમ્પર ચાલક આતંકનું કારણ બન્યો હતો. ભારે ગતિએ અને બેફામ રીતે ડમ્પર હંકારતા ચાલકે રસ્તામાં આવતા અનેક વાહનોને અડફેટ
કોઠારા રેલવે ફાટક પાસે અકસ્માત


કોઠારા રેલવે ફાટક પાસે અકસ્માત


કોઠારા રેલવે ફાટક પાસે અકસ્માત


કચ્છ, 23 મે (હિ.સ.) : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં શનિવારે સાંજના સમયે એક બેદરકાર અને નશાની હાલતમાં હોવાનું કહેવાતું ડમ્પર ચાલક આતંકનું કારણ બન્યો હતો. ભારે ગતિએ અને બેફામ રીતે ડમ્પર હંકારતા ચાલકે રસ્તામાં આવતા અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાએ થોડા સમય માટે સ્થાનિકોમાં દહેશત ફેલાવી દીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. તેણે પહેલા રેલવે ફાટકને જોરદાર ટક્કર મારી ફાટકનો ભાગ તોડી નાખ્યો હતો. ત્યારબાદ પણ ડમ્પર રોકવાને બદલે આડેધડ રીતે આગળ દોડાવ્યું હતું. રસ્તા પર પાર્ક કરાયેલા તેમજ પસાર થતાં કેટલાક વાહનોને ડમ્પરે ટક્કર મારતાં નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત દરમિયાન કેટલાક લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકો ઘટનાસ્થળ તરફ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ તે પહેલાં જ બેકાબૂ બનેલું ડમ્પર રેલવે ફાટકના મધ્યભાગમાં ફસાઈ ગયું હતું. જેના કારણે વધુ મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવે છે. જો ડમ્પર આગળ વધી રેલવે ટ્રેક પર પહોંચી જાત તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકતી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ડમ્પર કબજે લઈ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર બનાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બેદરકાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande