
કચ્છ, 23 મે (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોને અનુસરીને કચ્છ જિલ્લાના તાલુકા પંચાયતોમાં હવે સત્તાના નવા ચહેરાઓ સત્તાવાર રીતે સામે આવ્યા છે. ભાજપ દ્વારા મનોમંથન બાદ જુદા જુદા તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામો જાહેર કરવામાં આવ્યા હતા. ક્યાંક ભાજપે એકતરફી દાવેદારનોી નોધાવી તો ક્યાંક કોંગ્રેસે પણ હરીફાઈ ઉભી કરી રાજકીય ગરમાવો જાળવી રાખ્યો હતો.
ભુજ તાલુકા પંચાયતના નવા સુકાની તરીકે સુખપર-1 બેઠક પરથી ચૂંટાયેલા લક્ષ્મીબેન રામજી ખેતાણીની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે ડગાળા બેઠકના રાધાબેન વરચંદને જવાબદારી સોંપાઈ છે. કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ચૌહાણની પસંદગી કરાઈ છે. ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે ભરત રાઠોડ અને દંડક તરીકે મોંઘીબેન રબારીને જવાબદારી આપવામાં આવી છે. તાલુકા પંચાયતમાં ભાજપે સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખી નવી ટીમ ઉભી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અંજારમાં સંદીપ ચાવડાને પ્રમુખપદની કમાન
અંજાર તાલુકા પંચાયતમાં ભાજપે પ્રમુખ તરીકે સંદીપભાઈ ચાવડાને પસંદ કર્યા છે. ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન વીરા, કારોબારી ચેરમેન તરીકે દીપકાસિંહ જાડેજા અને શાસક પક્ષના નેતા તરીકે જીવાભાઈ રબારીના નામ જાહેર થયા છે. દંડક તરીકે નૌત્તમભાઈ ચૌહાણને જવાબદારી અપાઈ છે. તાલુકા પંચાયત ખાતે યોજાયેલી પ્રક્રિયામાં ભાજપના જિલ્લા અને તાલુકા સ્તરના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
માંડવી તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
માંડવી તાલુકા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો ઉભા કરતા ચૂંટણી રસપ્રદ બની છે. ભાજપે પ્રમુખ માટે રેખાબેન છાભૈયા અને ઉપપ્રમુખ તરીકે વિરમભાઈ ગઢવીને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસે મિત્તલબેન જાડેજા અને ખેરાજભાઈ રાગને ટક્કર માટે ઉભા રાખ્યા છે. સાથે સાથે ભાજપે કારોબારી ચેરમેન તરીકે બળવંતસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે કીર્તિકુમાર ગોર અને દંડક તરીકે અંકિતગિરિ ગોસ્વામીના નામ જાહેર કર્યા છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી પર સૌની નજર ટકેલી છે.
મુંદરામાં સંતોકબા જાડેજા પ્રમુખપદ માટે આગળ
મુંદરા તાલુકા પંચાયતમાં ભાજપે પ્રમુખ પદ માટે સંતોકબા જાડેજાનું નામ જાહેર કર્યું છે જ્યારે ઉપપ્રમુખ પદ માટે હમીર પચાણ રબારીને ઉમેદવાર બનાવાયા છે. તાલુકા ભાજપના આગેવાનો અને જિલ્લા પ્રતિનિધિઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરાવાયા હતા. મુંદરામાં ભાજપ સંગઠન એકજૂટ દેખાતા વિપક્ષ માટે પડકારજનક પરિસ્થિતિ સર્જાઈ છે.
નખત્રાણામાં ભાજપ બહુમતીમાં છતાં કોંગ્રેસની લડત યથાવત
નખત્રાણા તાલુકા પંચાયતમાં ભાજપે 18માંથી 11 બેઠકો જીતી બહુમતી મેળવી છે. પ્રમુખ તરીકે ભારતીબેન ગોસ્વામી અને ઉપપ્રમુખ તરીકે જ્યોતિબા સોઢાનું નામ જાહેર કરાયું છે. બીજી તરફ કોંગ્રેસે કાજલબેન ગઢવી અને ઓસમાણખાન સુમરાને મેદાનમાં ઉતારી રાજકીય ટક્કર જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. બંને પક્ષોના આગેવાનોની હાજરીમાં ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
લખપત તાલુકા પંચાયતમાં રાજકીય ગરમાવો
લખપત તાલુકા પંચાયતમાં ભાજપ પાસે બહુમતી હોવા છતાં કોંગ્રેસે બિનહરીફ ચૂંટણી ન થવા દેવાનો નિર્ણય કર્યો છે. ભાજપે ગંગાબેન બલિયા અને હુસેન પઢિયારને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે ગૌરીબેન ફફલ અને શકીનાબેન જતને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ભાજપમાં આંતરિક અસંતોષ હોવાનો દાવો કરતાં રાજકીય સમીકરણો અંગે ચર્ચાઓ તેજ બની છે.
અબડાસા તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો
અબડાસા તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતીના આધારે તમામ મુખ્ય હોદ્દાઓ માટે દાવેદારી નોંધાવી છે. પ્રમુખ તરીકે જયેન્દ્રાસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે વિનોદ દરજી, કારોબારી ચેરમેન તરીકે પ્રવીણ ભાનુશાલી અને શાસક પક્ષના નેતા તરીકે રાજેશ્રીબેન ગઢવીના નામ જાહેર થયા છે. કોંગ્રેસે પણ પ્રતિકાત્મક રીતે ઉમેદવારી નોંધાવી હોવા છતાં બહુમતી ભાજપ પાસે હોવાથી સત્તા ભાજપના હાથમાં જ રહેવાની શક્યતા મજબૂત બની છે.
રાપર તાલુકા પંચાયતમાં નવી ટીમને જવાબદારી
રાપર તાલુકા પંચાયતમાં રાજેશભાઈ ઢીલાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે શક્તાસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે ખીમાભાઈ વાવિયા અને દંડક તરીકે ભાવનાબેન ભરવાડના નામ જાહેર થયા છે. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં પક્ષે સત્તાવાર જાહેરાત કરી હતી.
ભચાઉ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રાજીબેન વવિયાને આગળ ધપાવવામાં આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે સીતાબેન ઢીલા, કારોબારી ચેરમેન તરીકે ઉપેન્દ્રાસિંહ જાડેજા અને શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ કોલીની પસંદગી કરાઈ છે. દંડક તરીકે લક્ષ્મણભાઈ રબારીને જવાબદારી સોંપાઈ છે. તાલુકા અને જિલ્લા ભાજપના અગ્રણીઓની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
કચ્છની તાલુકા પંચાયતોમાં નવા હોદ્દેદારોની વરણી સાથે હવે સ્થાનિક સ્તરે વિકાસ, સંગઠન અને રાજકીય સમીકરણોની નવી શરૂઆત થઈ છે. અનેક તાલુકાઓમાં ભાજપે બહુમતીના આધારે પોતાની પકડ મજબૂત કરી છે, જ્યારે કોંગ્રેસે પણ હરીફાઈ જાળવી રાખી આગામી દિવસોમાં સક્રિય વિરોધપક્ષની ભૂમિકા ભજવવાનો સંકેત આપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar