
વલસાડ, 23 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે પ્રોહિબિશનના ત્રણ અલગ-અલગ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપી વિરુદ્ધ વલસાડ સીટી, વાપી ટાઉન તેમજ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબીની ટીમ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન એલસીબીના એએસઆઈ વિજય માધવરાવને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એલસીબીની ટીમે દુલાલકુમાર ગીરધારી મંડલ (ઉ.વ.૨૭), હાલ રહે. રૂમ નં.૩૦૧, રમણભાઈ બિલ્ડિંગ, વિજય બાર સામે, ડાભેલ નાની દમણ તથા મૂળ વતની ઝારખંડને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે વલસાડ સીટી પોલીસ સ્ટેશન, વાપી ટાઉન પોલીસ સ્ટેશન તેમજ ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ વિવિધ કલમો મુજબ ગુનાઓ નોંધાયેલા હતા.
પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે વલસાડ સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ.રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જે.જી. વસાવા, એએસઆઈ વિજય માધવરાવ તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓ તેજપલાસિંહ સિસોદિયા અને પરાક્રમસિંહ દ્વારા ટીમ વર્કથી પાર પાડવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha