
ભાવનગર, 23 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે પાટણા-માલપરા કેનાલ રોડ ઉપર આવેલ બેઠલા નાળા નીચે દરોડો પાડી રૂ. 41 હજાર કિંમતનો દેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
માહિતી મુજબ, એલસીબી પોલીસ સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે માલપરા ગામ ખાતે રહેતા અશોકભાઈ મનજીભાઈ રાણીવાડીયાએ દેશી પીવાનો દારૂ બનાવી વેચાણ માટે જથ્થો છુપાવી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પાટણા-માલપરા કેનાલ રોડ નજીક બેઠલા નાળા નીચે રેઇડ યોજી હતી.
રેઇડ દરમિયાન સ્થળ પરથી પ્લાસ્ટિકની મોટી થેલીઓમાં ભરેલો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 41 પ્લાસ્ટિકની મોટી થેલીઓમાંથી અંદાજે 205 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂ. 41,000 હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર મામલે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી અશોકભાઈ મનજીભાઈ રાણીવાડીયા હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવા છતાં કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે દેશી દારૂનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ભાવનગર એલસીબી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA