
અમરેલી, 23 મે (હિ.સ.) : ખાખરીયા ગામ ખાતે નવા આંગણવાડી ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કૌશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોની હાજરી વચ્ચે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં બાળ શિક્ષણ, પોષણ અને મહિલા-બાળ કલ્યાણને મજબૂત બનાવવું રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. નવા આંગણવાડી ભવનથી ગામના નાના બાળકોને વધુ સારી શૈક્ષણિક અને પૌષ્ટિક સુવિધાઓ મળશે તેમજ મહિલાઓ માટે પણ વિવિધ કલ્યાણકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે.
ગામમાં આધુનિક સુવિધાઓ સાથે ઊભા થનારા આ આંગણવાડી ભવનમાં બાળકો માટે અભ્યાસ, રમતો અને પોષણ કાર્યક્રમોનું સુચારૂ આયોજન થઈ શકશે. ગ્રામજનોમાં પણ આ વિકાસકાર્યને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, સરપંચ, મહિલા કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિકાસ સાથે બાળ કલ્યાણને પ્રોત્સાહન આપતું આ ભવન ગામના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai