
ભાવનગર, 23 મે (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા શહેરમાં પાર્સલની આડમાં લાવવામાં આવતાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.૨,૯૧,૭૬૪ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
એલસીબી પોલીસ સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર રાજ્યમાંથી પાર્સલમાં પેક કરીને વિદેશી દારૂનો જથ્થો ભાવનગર લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે જુના બંદર રોડ પર કાળ ભૈરવદાદાના આશ્રમ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન સફેદ રંગની મારૂતિ ઇકો કાર નંબર GJ-04-EJ-2687 અને તેનું પાયલોટિંગ કરતું બ્લ્યુ કલરની એક્સેસ સ્કૂટર નંબર GJ-04-ED-9279 ત્યાંથી પસાર થતાં પોલીસે બંને વાહનોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન કારમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા પાર્સલ મળી આવ્યા હતા. પાર્સલ ખોલતા તેમાં કાપડના ટુકડાઓ વચ્ચે છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલ બોટલો અને ટીન પર “ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી” લખાણ જોવા મળ્યું હતું.
પોલીસે કુલ ૧૨૫ દારૂની બોટલો અને બિયર ટીન સહિત રૂ.૩૧,૨૬૪નો દારૂ તથા કાર અને સ્કૂટર સહિત કુલ રૂ.૨,૯૧,૭૬૪નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં દિનેશભાઈ મુળજીભાઈ સોલંકી, ભગવાન ઉર્ફે ભરત વિશ્રામભાઈ ઝાલા અને હિતેશભાઈ રાજેશભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જીગર ઉર્ફે જીગો પ્રવિણભાઈ ઝીંઝરીયા હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA