
મહેસાણા, 23 મે (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ નંબર 8માંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલનો એક ઓડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વાયરલ થયેલા અંદાજે 7 મિનિટના ઓડિયોમાં ચંદ્રકાંત પટેલ ભાજપના અન્ય એક નેતા સાથે મોબાઇલ પર વાતચીત કરતા સંભળાઈ રહ્યા છે. ચર્ચા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નામ આવતા ચંદ્રકાંત પટેલે તેમના માટે અનેક અપમાનજનક શબ્દો વાપર્યા હોવાનું સામે આવ્યું છે.
આ ઓડિયો નીતિનભાઈ પટેલ સુધી પહોંચતા તેમણે સમગ્ર મામલો ભાજપ પ્રદેશ સંગઠન અને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કર્યો હતો. નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેમને ઓડિયો મળ્યા બાદ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, પ્રભારી ભરતભાઈ ડાંગર અને જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરને મોકલી આપવામાં આવ્યો હતો. પક્ષ દ્વારા ચંદ્રકાંત પટેલને કોઈ નવા હોદ્દા ન આપવા નિર્ણય લેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ ઘટનાને લઈને ભાજપ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. કેટલાક કાર્યકરોએ આવા વર્તન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ ચંદ્રકાંત પટેલે પ્રતિક્રિયામાં જણાવ્યું કે, તેઓ રાજકોટ ખાતે છે અને કાલે આ મામલે મુલાકાત બાદ સ્પષ્ટતા કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR