
મહેસાણા, 23 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નીતિન પટેલ (ખરોડ) બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદે માસંગજી ઠાકોરની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવા પ્રમુખ નીતિન પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના વિકાસને વધુ ગતિ મળે અને ગામડાઓ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે માટે તમામ સભ્યો સાથે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવશે. તેમણે ખાસ ભાર મુકતાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના વહીવટમાં અરજદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને લોકોના કામ સરળતાથી થાય તે તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે.
આ ઉપરાંત જિલ્લા પંચાયતની અન્ય મહત્વની જવાબદારીઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે હસમુખભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના દંડક તરીકે ભરતભાઈ દેસાઈ અને ઉપનેતા તરીકે ભાટી વીણાબેનને જવાબદારી સોંપવામાં આવી છે.
નવા હોદ્દેદારોએ જિલ્લામાં વિકાસકાર્યોને વધુ વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR