
મહેસાણા, 23 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રએ દરોડા દરમિયાન કલર ભેળવેલી ૩,૫૪૮ કિલોગ્રામ વરિયાળી તથા ૧૪૦ કિલોગ્રામ લીલા રંગનો જથ્થો મળી કુલ અંદાજિત રૂ. ૩.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
માહિતી અનુસાર, ઊંઝાના એક ગોડાઉનમાં વરિયાળીને વધુ આકર્ષક દેખાડવા માટે તેમાં કૃત્રિમ લીલો રંગ ભેળવવામાં આવતો હોવાની બાતમીના આધારે ખોરાક-ઔષધ નિયમન તંત્રની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી મોટી માત્રામાં કલર મિશ્રિત વરિયાળી અને રંગનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા નમૂનાઓ લઈને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગની શક્યતા સામે આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી બાદ વેપારીઓમાં પણ હડકંપ મચી ગયો હતો. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટે આવી ચકાસણીઓ આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR