
મહેસાણા, 23 મે (હિ.સ.) : બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે પાડોશી ખેડૂત દ્વારા ખેતરનો શેઢો સળગાવતાં ભયાનક આગ ફાટી નીકળતા એક ખેડૂતને અંદાજિત રૂ. 1.30 લાખનું નુકસાન થયું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે બેચરાજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, શંખલપુરના શૈલેષભાઇ પ્રેમજીભાઇ પટેલ પોતાના ખેતરમાં હાજર હતા ત્યારે પાડોશી ખેડૂત સુરેશ નાથાભાઇ પટેલ ખેતર વચ્ચેનો કચરાવાળો શેઢો સળગાવી રહ્યો હતો. તે સમયે પવનની ગતિ વધુ હોવાથી શૈલેષભાઇએ આગ ન લગાવવાની વિનંતી કરી હતી. જોકે સુરેશભાઇ ઉશ્કેરાઈ જઈ શેઢા પર આગ લગાવી દીધી હતી.
તેજ પવનના કારણે આગ શૈલેષભાઇના ખેતરમાં પ્રસરી ગઈ હતી. આગમાં આંબા, ખજૂર અને આમળા સહિતના 15 બાગાયતી ઝાડ બળી જતા અંદાજે રૂ. 75 હજારનું નુકસાન થયું હતું. ઉપરાંત ખેતરમાં પાર્ક કરાયેલું બાઇક સળગી જતા રૂ. 50 હજાર તથા ટપક સિંચાઇની પાઇપલાઇન બળી જતા રૂ. 5 હજારનું નુકસાન થયું હતું.
નુકસાની અંગે ટોકતાં આરોપીએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR