
પાટણ, 23 મે (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ શહેરના વ્યસ્ત બગવાડા ચોકમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. રોડ પર ઉભા રહેતા લારી-ગલ્લા અને ફેરિયાઓને હટાવી તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી નાગરિકોને ટ્રાફિક જામમાંથી રાહત મળે.
પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નીલમ પટેલ તથા સ્થાનિક નગરસેવકો દ્વારા બગવાડા વિસ્તારની મુલાકાત લઈ બગવાડા પેટ્રોલ પંપની પાછળ આવેલી ત્રિકોણીય જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ત્રિકોણીય મેદાન પર વર્ષોથી ચાની કીટલીઓ, શેરડીના રસના કોલા, ઠંડા પીણાં અને ઘરવખરીની દુકાનોના દબાણો હતા.
પાલિકાની ટીમે જેસીબી અને સફાઈ કર્મચારીઓની મદદથી તમામ દબાણો દૂર કરી જગ્યા સંપૂર્ણ સાફ કરી દીધી હતી.
હવે પાલિકા તંત્રએ બગવાડા ચોકના ફેરિયાઓને આ નવી જગ્યા પર સ્થળાંતર કરવા જણાવ્યું છે. આ પગલાથી ફેરિયાઓની રોજગારી યથાવત રહેશે અને બગવાડા ચોકમાં થતા ટ્રાફિક જામમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ